
મહેસાણા, 25 જૂન (હિ.સ.)મહેસાણા તાલુકાના ચલુવા ગામની પ્રાથમિક શાળાની જિલ્લા વિકાસ અધિકારી ડૉ. અંચુ વિલ્સન દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન શાળાની વિવિધ શૈક્ષણિક અને સુવિધાકીય પ્રવૃત્તિઓની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી તેમના અભ્યાસ અને અન્ય પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી હતી.
આ પ્રસંગે આરોગ્ય વિભાગની આરબીએસકે (RBSK) ટીમ દ્વારા વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. ટીમે બાળકોના સામાન્ય સ્વાસ્થ્ય, પોષણની સ્થિતિ અને અન્ય આરોગ્ય સંબંધિત મુદ્દાઓનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બાળકોના આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધે અને સમયસર સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા નિયમિત તપાસના મહત્વ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન વાહકજન્ય રોગ નિયંત્રણ અંગે પણ જાગૃતિ લાવવામાં આવી હતી. મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે ઉપયોગી પોરા ભક્ષક ગપ્પી ફિશનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ગપ્પી ફિશ પાણીમાં રહેલા મચ્છરના પોરાનો નાશ કરવામાં મદદરૂપ બનતી હોવાથી ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના રોગોના નિયંત્રણમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે સમજાવવામાં આવ્યું હતું.
આ મુલાકાત દરમિયાન શિક્ષકો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને ગામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દ્વારા શિક્ષણ સાથે આરોગ્ય અને સ્વચ્છતા અંગે પણ મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR