મેયરના હસ્તે મગપરા પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગનું લોકાર્પણ, શાળા પ્રવેશોત્સવની ઉજવણી
મહેસાણા, 25 જૂન (હિ.સ.)મહેસાણા મહાનગરપાલિકા દ્વારા આજ રોજ મગપરા પ્રાથમિક શાળા નં. 4 અને 6 ખાતે શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મહાનગરપાલિકાના મેયરશ્રીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે શાળામાં નવા પ્રવેશ મેળવનાર વ
મેયરના હસ્તે મગપરા પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગનું લોકાર્પણ, શાળા પ્રવેશોત્સવની ઉજવણી


મહેસાણા, 25 જૂન (હિ.સ.)મહેસાણા મહાનગરપાલિકા દ્વારા આજ રોજ મગપરા પ્રાથમિક શાળા નં. 4 અને 6 ખાતે શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મહાનગરપાલિકાના મેયરશ્રીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે શાળામાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન મેયરશ્રીના હસ્તે શાળાના નવીન બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવી સુવિધાઓથી સજ્જ આ બિલ્ડિંગ વિદ્યાર્થીઓને વધુ સુરક્ષિત, અનુકૂળ અને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડશે. આધુનિક માળખાકીય સુવિધાઓથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પણ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

મેયરશ્રીએ શાળામાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા મધ્યાહ્ન ભોજનની ગુણવત્તા અને તેની વ્યવસ્થાની પણ ચકાસણી કરી હતી. વિદ્યાર્થીઓને પૌષ્ટિક અને ગુણવત્તાસભર ભોજન મળી રહે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે શિક્ષકો, વાલીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ જણાવ્યું હતું કે દરેક બાળક શિક્ષણ સાથે જોડાય, ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરે અને આત્મવિશ્વાસ સાથે ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધે તે હેતુથી શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande