
મહેસાણા, 25 જૂન (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2026 અંતર્ગત જિલ્લાના પ્રભારી સચિવ રંજીથકુમારે પઢારિયા ગામની મુલાકાત લઈ શિક્ષણ પ્રત્યે સંવેદનશીલ અભિગમનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમણે ધોરણ 9 અને 10 દરમિયાન અભ્યાસ છોડી દીધેલા બે વિદ્યાર્થીઓના ઘરે જઈ તેમના વાલીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી.
આ મુલાકાત દરમિયાન પ્રભારી સચિવએ વાલીઓને શિક્ષણના મહત્વ અંગે વિગતવાર સમજ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આજના સ્પર્ધાત્મક યુગમાં શિક્ષણ જ બાળકોના ઉજ્જવળ ભવિષ્યનું મજબૂત આધારસ્તંભ છે. કોઈપણ કારણસર અભ્યાસ અધૂરો ન રહે અને દરેક બાળક શિક્ષણ સાથે જોડાયેલો રહે તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે.
વાલીઓ સાથે ચર્ચા બાદ વિદ્યાર્થીઓને ફરી શાળામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સચિવના માર્ગદર્શન અને સમજાવટના પરિણામે બંને વિદ્યાર્થીઓએ પુનઃ અભ્યાસ શરૂ કરવાની સંમતિ આપી હતી અને તેમનો શાળામાં પુનઃપ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
શાળા પ્રવેશોત્સવનો મુખ્ય હેતુ માત્ર નવા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવવાનો નથી, પરંતુ શાળા છોડનારા બાળકોને પણ ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો છે. પ્રભારી સચિવની આ પહેલને ગામજનો અને શિક્ષણ વિભાગ દ્વારા સરાહનીય ગણાવવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR