
મહેસાણા, 25 જૂન (હિ.સ.)મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત વિવિધ શાળાઓમાં ઉત્સાહભેર કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહાનગરપાલિકાના કમિશનરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી તેમજ કોર્પોરેટરશ્રીઓની ઉપસ્થિતિમાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક કિટ મળતાં વિદ્યાર્થીઓમાં ખાસ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. મહાનગરપાલિકાના પદાધિકારીઓએ વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ કરવા, શાળામાં સતત હાજરી આપવા અને પોતાના જીવનના લક્ષ્યો સિદ્ધ કરવા પ્રેરણા આપી હતી.
વક્તાઓએ જણાવ્યું હતું કે શિક્ષણ એ બાળકના સર્વાંગી વિકાસનું સૌથી શક્તિશાળી સાધન છે. દરેક બાળક શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડાય અને કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ સતત પ્રયાસ કરી રહી છે.
શાળા પ્રવેશોત્સવનો મુખ્ય હેતુ બાળકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ વાલીઓને બાળકોના શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનો છે. કાર્યક્રમમાં શિક્ષકો, વાલીઓ અને સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિક્ષણના મહત્વ અંગે સંદેશ આપવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR