
મહેસાણા, 25 જૂન (હિ.સ.) : રોડ સેફ્ટી અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાના હેતુથી આર.ટી.ઓ. ટીમ, મહેસાણા દ્વારા પાલોદર સ્થિત પી. કે. મહેતા હાઇસ્કુલમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને રોડ સેફ્ટીના નિયમો અને માર્ગ અકસ્માતોથી બચવા માટે જરૂરી સાવચેતીઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વિદ્યાર્થીઓને વીડિયો પ્રેઝન્ટેશનના માધ્યમથી ટ્રાફિક નિયમો, હેલ્મેટ અને સીટબેલ્ટના ઉપયોગનું મહત્વ, વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવા સહિતના મુદ્દાઓ વિશે સરળ અને રસપ્રદ રીતે સમજાવવામાં આવ્યું હતું. માર્ગ અકસ્માતોના મુખ્ય કારણો અને તેનાથી થતી જાનહાનિ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન આર.ટી.ઓ. ટીમ દ્વારા વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી સંબંધિત માહિતી ધરાવતા પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તેમજ પોતાના પરિવાર અને સમાજમાં પણ માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આયોજકોના જણાવ્યા મુજબ આવી જાગૃતિ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જવાબદારીની ભાવના વિકસે છે અને માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવામાં મદદ મળે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR