
મહેસાણા, 25 જૂન (હિ.સ.)
રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત મહેસાણાના મેયર શ્રીમતી સોનલબેન ઓઝાએ એસ.વી. શાહ વિદ્યાવિહાર, મહેસાણા ખાતે આવેલ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે લોકવિજ્ઞાન કેન્દ્રની ઓફિસ, આઈપી લેબ તેમજ મ્યુઝિયમનું નિરીક્ષણ કરી વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી હતી.
મેયર સોનલબેન ઓઝાએ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અને નવીન વિચારોના વિકાસ માટે લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવતી કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે આઈપી લેબમાં ઉપલબ્ધ ટેકનોલોજી આધારિત સાધનો અને શૈક્ષણિક સુવિધાઓનું અવલોકન કર્યું હતું. ઉપરાંત મ્યુઝિયમમાં પ્રદર્શિત વિવિધ વૈજ્ઞાનિક મોડેલ્સ, શૈક્ષણિક પ્રદર્શન અને માહિતીપ્રદ સામગ્રી અંગે પણ રસપૂર્વક જાણકારી મેળવી હતી.
આ પ્રસંગે કેન્દ્રના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા લોકવિજ્ઞાન કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓ, વિદ્યાર્થીઓ માટે યોજાતા કાર્યક્રમો તથા વૈજ્ઞાનિક જાગૃતિ માટે હાથ ધરવામાં આવતા પ્રયાસોની વિગતો રજૂ કરવામાં આવી હતી.
પ્રવેશોત્સવ દરમિયાન યોજાયેલી આ મુલાકાતથી વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ વધે અને શૈક્ષણિક ક્ષેત્રે નવી પ્રેરણા મળે તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં શિક્ષકો, અધિકારીઓ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR