શાળા પ્રવેશોત્સવ-2026 ત્રીજો દિવસ, મુખ્યમંત્રીએ સાણંદ તાલુકામાં પીંપણ ગામ અને સાણંદ મોડલ સ્કૂલમાં શાળા પ્રવેશ કરાવ્યો
- કેળવણી અને શાળા પ્રવેશોત્સવ સરકારી કાર્યક્રમ મટીને જન-જનનો ઉત્સવ બન્યો છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ, 25 જૂન (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદ
School Entrance Festival cm at sanand


School Entrance Festival cm at sanand


- કેળવણી અને શાળા પ્રવેશોત્સવ સરકારી કાર્યક્રમ મટીને જન-જનનો ઉત્સવ બન્યો છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, 25 જૂન (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલો કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આજે માત્ર સરકારી કાર્યક્રમ રહ્યો નથી, પરંતુ વાલીઓ, શિક્ષકો અને ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી જન-જનનો લોકોત્સવ બની ગયો છે.

રાજ્યમાં શિક્ષણના સ્તરને નવી ઊંચાઈએ લઈ જવાના અને 100 ટકા નામાંકનના લક્ષ્ય સાથે ઉજવાઈ રહેલા 24માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026'ના ત્રીજા દિવસે અમદાવાદ જિલ્લાના સાણંદના પીંપણ અને મોડેલ સ્કૂલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને ઉત્સાહભેર શાળા પ્રવેશ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીએ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતાં ઉમેર્યું કે, રાજ્ય સરકારના સઘન પ્રયાસોને પરિણામે આજે શાળાઓમાં 100 ટકા નામાંકન થઈ રહ્યું છે. એટલું જ નહીં, અધવચ્ચેથી અભ્યાસ છોડી દેતા (ડ્રોપઆઉટ) વિદ્યાર્થીઓનું લિસ્ટ તૈયાર કરી, વાલીઓનું કાઉન્સેલિંગ કરીને તેમને પુનઃ શાળામાં લાવવા માટે સરકાર કટિબદ્ધ છે. તેમણે વાલીઓને આગ્રહપૂર્વક જણાવ્યું કે, આર્થિક સમૃદ્ધિની સાથે-સાથે પોતાના સંતાનોના શિક્ષણ અને ભવિષ્ય પર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરવું એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ.

મોડેલ સ્કૂલ સાણંદમાં ધોરણ-9 માં 142 વિદ્યાર્થીઓ, ધોરણ-11 સામાન્ય પ્રવાહમાં 50 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહમાં 17 વિદ્યાર્થીઓ મળીને કુલ 209 વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવાયો હતો. મુખ્યમંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નવ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવની સફળતા અંગે કહ્યું કે, બે દાયકા પહેલા નરેન્દ્ર મોદીએ શરૂ કરેલો શાળા પ્રવેશોત્સવ આજે વટવૃક્ષ બની ચૂક્યો છે. અગાઉ શાળાએ જતાં રડતા બાળકોને બદલે આજે વિદ્યાર્થીઓના ચહેરા પર અદભુત આનંદ અને આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે, તે દર્શાવે છે કે આ સરકારી કાર્યક્રમ મટીને સાચા અર્થમાં જન-જનનો ઉત્સવ બની ગયો છે.

સાણંદના ઔદ્યોગિક વિકાસની પ્રશંસા કરતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત સેમીકંડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે અને સાણંદ દેશનું મોટું 'સેમીકંડક્ટર હબ' બનીને ઉભરી રહ્યું છે, ત્યારે આ વિસ્તારના દીકરા-દીકરીઓ પણ ગ્લોબલ સ્તરનું ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે તે અનિવાર્ય છે. આજે રાજ્યની સરકારી શાળાઓની છબી એવી બદલાઈ છે કે તેમાં એડમિશન માટે ભલામણો કરાવવી પડે છે, તે શિક્ષણ નીતિની મોટી સિદ્ધિ છે.

ગ્લોબલ વોર્મિંગના પડકારજનક સમયમાં પર્યાવરણ અને જળસંચયની અનિવાર્યતા સમજાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનના આહવાનથી શરૂ કરાયેલી 'કેચ ધ રેન' મુહિમ અંતર્ગત વરસાદી પાણીના ટીપે-ટીપાનો સંગ્રહ કરવો અને તેને જમીનમાં ઉતારવું એ આપણી ભાવિ પેઢીની જળ સુરક્ષા માટે અનિવાર્ય છે. ધારાસભ્યોને રીચાર્જિંગ બોર બનાવવા માટે 50 લાખની ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. પર્યાવરણ સંતુલન માટે વડાપ્રધાનના 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત મુખ્યમંત્રીએ દરેક નાગરિકને પોતાની માતાના નામે એક વૃક્ષ વાવવા અને તેનો ઉછેર કરવા ભાવભરી અપીલ કરી હતી.

સરકારની યોજનાઓનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે, આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા અને આવાસ યોજના જેવા તમામ લાભોથી છેવાડાનો નાનો માણસ વિકાસના મુખ્ય પ્રવાહમાં આવ્યો છે.

પ્રગતિનો પ્રવેશોત્સવ સૂત્રને સાથે કરતા કાર્યક્રમમાં મુખ્યમંત્રી તથા મહાનુભાવોના હસ્તે શાળાના પ્રતિભાશાળી અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. શાળાનું 100 ટકા પરિણામ લાવવા બદલ આચાર્ય વિનોદ મગવાડિયા તથા શાળાને ઉદાર હાથે દાન આપનાર દાતાઓનું પણ સન્માન કરાયું હતું.

કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રેરણાદાયી વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીએ સાણંદ મોડેલ સ્કૂલ પરિસરની મુલાકાત લીધી હતી. તેમણે અદ્યતન એક્ટીવીટી બેઝડ સાયન્સ લેબની મુલાકાત લઈને શૈક્ષણિક સુવિધાઓ નિહાળી હતું. મુખ્યમંત્રીએ શાળામાં કાર્યરત કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલય ગર્લ્સ હોસ્ટેલની મુલાકાત લઈને વ્યવસ્થાઓ નિહાળી હતી.

શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) અને શાળા વ્યવસ્થાપન વિકાસ સમિતિ (SMDC)ના સભ્યો તથા વાલીગણ સાથે બેઠક યોજીને સંવાદ સાધ્યો હતો, તેમાં શાળાના સર્વાંગી વિકાસ, ડ્રોપઆઉટ રેટ ઘટાડવા અને શિક્ષણની ગુણવત્તા જાળવી રાખવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે મુખ્યમંત્રી સહિતના સૌ મહાનુભાવોએ પર્યાવરણની જાળવણી અને હરિયાળીના સંદેશ સાથે શાળા પ્રાગંણમાં સામુહિક વૃક્ષારોપણ કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande