
ભાવનગર, 25 જૂન (હિ.સ.) મહુવા તાલુકાના મોટા જાદરા ગામ ખાતે રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ અભિયાન અંતર્ગત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉત્સાહભેર અને ગૌરવપૂર્ણ માહોલમાં યોજાયો હતો. કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા પંચાયતના દંડક જયંતી બાંભણીયા, મહુવા તાલુકા પંચાયતના દંડક શક્તિ ભુકણ, મહુવા મામલતદાર, પુરવઠા મામલતદાર તેમજ ગામના સરપંચ સહિતના આગેવાનો અને અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન શાળામાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું તિલક કરી અને પુષ્પગુચ્છ અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. નાનાં ભૂલકાઓના ચહેરા પર જોવા મળતો આનંદ અને ઉત્સાહ સમગ્ર કાર્યક્રમનું આકર્ષણ બન્યો હતો. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્વ વિશે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે શિક્ષણ વ્યક્તિના જીવનને નવી દિશા આપે છે અને સમાજ તેમજ રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
વક્તાઓએ વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ કરવા, સારા સંસ્કારો અપનાવવા અને પોતાના જીવનમાં ઉચ્ચ લક્ષ્યાંકો નક્કી કરીને તેને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવા પ્રેરણા આપી હતી. સાથે જ દરેક બાળક સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચે અને કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસોની પણ માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ શિક્ષણનો વ્યાપક પ્રસાર થાય, શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધે અને શિક્ષણ ક્ષેત્રે વધુ સકારાત્મક પરિવર્તન આવે તે માટે સૌને સંકલ્પબદ્ધ બનવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં ગામના આગેવાનો, વાલીઓ, શિક્ષકો, શાળા સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌના સહયોગ અને ઉત્સાહભરી હાજરીને કારણે સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને શિક્ષણ પ્રત્યે જાગૃતિનો સકારાત્મક સંદેશ ગામમાં પ્રસરી ગયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA