
ભાવનગર, 25 જૂન (હિ.સ.)પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ, ભાવનગર ઝોનના માર્ગદર્શન હેઠળ મહુવા નગરપાલિકા અને ગ્રામ નિર્માણ સમાજ-મહુવા દ્વારા પારેખ કોલેજ ખાતે ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-૨૦૨૬ અંતર્ગત એક દિવસીય વિશેષ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પદાધિકારીઓ, સફાઈ કર્મચારીઓ, સુપરવાઈઝરો તેમજ મોટી સંખ્યામાં શહેરીજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા અમલમાં મૂકાયેલા નવા ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-૨૦૨૬ અને નામદાર સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશોના અસરકારક અમલીકરણને ધ્યાનમાં રાખી આ તાલીમ યોજાઈ હતી. કાર્યક્રમ દરમિયાન કચરાના વૈજ્ઞાનિક નિકાલ, સ્ત્રોત સ્તરે ભીનો અને સૂકો કચરો અલગ કરવાની પ્રક્રિયા, કચરા વ્યવસ્થાપનમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની જવાબદારીઓ તેમજ સામાન્ય નાગરિકો અને મોટા કચરા ઉત્પાદકોની ફરજો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાલીમમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની સ્વચ્છતા અભિયાનમાં પ્રેરક ભૂમિકા, સફાઈ કર્મચારીઓની સુરક્ષા અને કાર્યક્ષમતામાં વધારો કરવા માટેના ઉપાયો સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સ્વચ્છતા ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર સફાઈ કર્મચારીઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેના કારણે કર્મચારીઓમાં નવી ઉર્જા અને પ્રોત્સાહન જોવા મળ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે “ઝીરો વેસ્ટ ઇવેન્ટ”નું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું ડિજિટલ મોનિટરિંગ સુનિશ્ચિત કરવા માટે તાલીમના જીઓ-ટેગ ફોટોગ્રાફ્સ, વીડિયો અને ઉપસ્થિત મહાનુભાવોની વિગતો સાથેનો અહેવાલ ‘સ્વચ્છતા સમીક્ષા કેન્દ્ર’ (SSK) પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યો હતો.
અંતમાં મહુવા નગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ પોતાના ઘર અને વ્યવસાયિક સ્થળેથી ભીનો અને સૂકો કચરો અલગ-અલગ આપીને સ્વચ્છ, સુંદર અને પર્યાવરણમૈત્રી મહુવા નિર્માણમાં સહભાગી બને.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA