



પોરબંદર, 25 જૂન (હિ.સ.)પ્રધાનમંત્રીના 12 વર્ષના સુશાસનની ઉજવણીના ભાગરૂપે શેરી ફેરિયાઓના આર્થિક સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે ભારત સરકારની મહત્વાકાંક્ષી પીએમ સ્વનિધી (PM SVANidhi) યોજના અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા છાંયા સ્થિત ખેતલીયા બાપાના મંદિર ખાતે પીએમ સ્વનિધી મહોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં શેરી ફેરિયાઓએ હાજરી આપી યોજનાની વિવિધ સુવિધાઓ અને લાભોની માહિતી મેળવી સ્થળ ઉપર જ લાભ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ શેરી ફેરિયાઓને વ્યવસાયિક વિકાસ માટે સરળતાથી નાણાકીય સહાય ઉપલબ્ધ કરાવવાનો, તેમને ડિજિટલ વ્યવહારો તરફ પ્રોત્સાહિત કરવાનો તેમજ વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવાનો હતો. આ વિશેષ કેમ્પમાં યોજનાના હાલના તેમજ સંભવિત લાભાર્થીઓને સ્થળ પર જ વિવિધ સેવાઓ, માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે કોર્પોરેટર રાહુલભાઈ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શેરી ફેરિયાઓને પીએમ સ્વનિધી યોજનાના લાભો અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા સ્વરોજગારી સાથે જોડાયેલા નાના વેપારીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તેમણે વધુમાં વધુ લાભાર્થીઓને આ યોજનાનો લાભ લેવા અપીલ કરી હતી. કેમ્પ દરમિયાન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ફાઇનાન્શિયલ લિટરેસી સેન્ટરના ઝાહિદ ખોખર દ્વારા નાણાકીય સાક્ષરતા, બચતની આદતો, સુરક્ષિત બેંકિંગ વ્યવહારો તથા વધતા જતા સાયબર ફ્રોડથી બચવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એનયુએલએમ પ્રોજેક્ટ મેનેજર આરતીબેન ત્રિવેદી, કો-ઓર્ડિનેટર મનીષાબેન ચાંચિયા તથા અલ્પાબેન મકવાણા દ્વારા લાભાર્થીઓને પીએમ સ્વનિધી યોજના હેઠળ મળતી જામીનગીરીમુક્ત વર્કિંગ કેપિટલ લોન, રૂ-પે ક્રેડિટ કાર્ડ, વ્યાજ સબસિડી, ડિજિટલ ટ્રાન્ઝેક્શન કેશબેક તેમજ સ્વનિધિ સે સમૃદ્ધિ કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં શેરી ફેરિયાઓએ યોજનાની માહિતી મેળવી અને વિવિધ સરકારી લાભો મેળવવા માટે નોંધણી તથા માર્ગદર્શનનો લાભ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya