





પોરબંદર, 25 જૂન (હિ.સ.) રાજ્ય સરકારના “દરેક બાળક શિક્ષિત બને”ના સંકલ્પને સાકાર કરવા સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2026 અંતર્ગત પોરબંદર જિલ્લાના પ્રભારી સચિવ ડી. એન. મોદી અને પોરબંદર જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીએ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની વિવિધ શાળાઓની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો.
આ અંતર્ગત તેમણે કુછડી પી.એસ.ઈ. શાળા, કુછડી સીમ-1 શાળા, રાતડી પ્રાથમિક શાળા, વિસાવાડા પ્રાથમિક શાળા, એચ.જે.કે. હાઈસ્કૂલ વિસાવાડા તેમજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા વિસાવાડામાં યોજાયેલા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. ગામડાંઓમાં ઉત્સવમય વાતાવરણ વચ્ચે નવપ્રવેશી બાળકોના ચહેરા પર નવી શાળાની ખુશી સ્પષ્ટ જોવા મળી હતી. શાળાના પ્રવેશદ્વારે શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મહાનુભાવોને આવકાર્યા હતા, જ્યારે નાના બાળકોનો શૈક્ષણિક કિટ આપી ઉત્સાહ વધાર્યો હતો. તેમજ શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રભારી સચિવ અને વિકાસ કમિશનર ડી. એન. મોદીએ વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકિયા જ્ઞાન પૂરતું મર્યાદિત ન રહી જીવનમૂલ્યો આધારિત શિક્ષણ મેળવવા પ્રેરણા આપી હતી. તેમણે સ્વચ્છતા, માર્ગ સલામતી, શિસ્ત, સમયપાલન અને સામાજિક જવાબદારી જેવી સારી ટેવો બાળપણથી જ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. શિક્ષણ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળે છે તેમ જણાવી તેમણે શાળામાં નવપ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું તેમજ તેમના વાલીઓને અભિનંદન પાઠવી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, આનંદ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાના માહોલ વચ્ચે યોજાયો હતો. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે બાળકોના સપનાઓને નવી ઉડાન મળે અને કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા સંકલ્પ સાથે મહાનુભાવોએ બાળકોના વાલીઓ સાથે સીધી વાત કરી હતી.કાર્યક્રમના અંતે માર્ગ સલામતીના શપથ લઈને ઉપસ્થિત મહાનુભાવો એ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંદેશ પાઠવ્યો હતો.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતાપ કેશવાલા, જિલ્લા પંચાયતના સદસ્ય સર્વ જેઠા ઓડેદરા, જગદીશ સગારકા, કેશવ ઓડેદરા, તાલુકા પંચાયતના સદસ્ય વસુંધરા લીંબોલા, જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમાર, પૂર્વ કારોબારી ચેરમેન આવડા ઓડેદરા સહિત શાળાના શિક્ષકો, આચર્યો, સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ - કર્મચારીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya