
સુરત, 25 જૂન (હિ.સ.) : સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારના ભાઠા ગામમાં લિવ-ઈન સંબંધમાં રહેતા દંપતી વચ્ચે થયેલો ઝઘડો જીવલેણ સાબિત થયો છે. છેલ્લા આઠ વર્ષથી સાથે રહેતા રાજરત ઉર્ફે રાજુ યાદવ અને મનીષાબેન વચ્ચે ઘરખર્ચ, બેકારી અને રોજિંદા કંકાસને કારણે અવારનવાર વિવાદ થતો હતો. 23 જૂને સાંજે ફરી એકવાર બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મામલો હિંસક બની ગયો.
પોલીસ તપાસ મુજબ ઝઘડા દરમિયાન રાજુએ મનીષાબેન સાથે ગાળાગાળી કરી અને તેમની પર હુમલો કર્યો હતો. મારથી બચવા માટે મનીષાબેન ઝૂંપડાના પાછળના ભાગે ભાગી ગયા હતા, પરંતુ રાજુ ત્યાં પણ તેમનો પીછો કરીને મારપીટ કરતો રહ્યો. આ દરમિયાન નજીકમાં પડેલા બટાકા છોલવાના ચપ્પુથી મનીષાબેને રાજુ પર હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઇજા થતાં તે લોહીલુહાણ થઈ જમીન પર ઢળી પડ્યો હતો.
બૂમાબૂમ સાંભળીને સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા અને ઇજાગ્રસ્ત રાજુને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. શરૂઆતમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, પરંતુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પડોશીઓના નિવેદનો બાદ સમગ્ર ઘટનાનો ભેદ ખુલ્યો હતો.
એસીપી શ્વેતા ડેનિયલના જણાવ્યા મુજબ પૂછપરછ દરમિયાન મનીષાબેને ગુનો કબૂલી લીધો હતો. તપાસમાં સામે આવ્યું કે મૃતક દ્વારા વારંવાર થતી મારપીટ અને ઝઘડાના કારણે ઘટનાના દિવસે ઉશ્કેરાટમાં આવી મહિલાએ આ પગલું ભર્યું હતું. ઇચ્છાપોર પોલીસે હવે હત્યાનો ગુનો નોંધી આરોપી મહિલાની ધરપકડ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે