પાટણ અને મહેસાણા જેલની મહિલા કેદીઓ માટે 10 દિવસીય સિવણ તાલીમ વર્ગ શરૂ
મહેસાણા, 25 જૂન (હિ.સ.)પાટણ સબ જેલ ખાતે પાટણ અને મહેસાણા જિલ્લાની મહિલા કેદીઓ માટે 10 દિવસીય સિવણ અને ભરતકામ તાલીમ વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેલમુક્તિ બાદ મહિલાઓ આત્મનિર્ભર બની સ્વરોજગાર દ્વારા જીવન નિર્વાહ કરી શકે તે હેતુથી આ વિશેષ તાલીમનું
પાટણ અને મહેસાણા જેલની મહિલા કેદીઓ માટે 10 દિવસીય સિવણ તાલીમ વર્ગ શરૂ


મહેસાણા, 25 જૂન (હિ.સ.)પાટણ સબ જેલ ખાતે પાટણ અને મહેસાણા જિલ્લાની મહિલા કેદીઓ માટે 10 દિવસીય સિવણ અને ભરતકામ તાલીમ વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેલમુક્તિ બાદ મહિલાઓ આત્મનિર્ભર બની સ્વરોજગાર દ્વારા જીવન નિર્વાહ કરી શકે તે હેતુથી આ વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.

તાલીમ કાર્યક્રમમાં હાલ 15 મહિલા બંદીવાનો ભાગ લઈ રહી છે. રાજવી ફાઉન્ડેશન, પાટણના સહયોગથી યોજાયેલા આ વર્ગમાં મહિલાઓને દરરોજ અંદાજે 5 કલાક સુધી પ્રાયોગિક અને વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવશે. તાલીમ દરમિયાન બ્લાઉઝ, વિવિધ પ્રકારના ડ્રેસ, ટી-શર્ટ અને અન્ય વસ્ત્રો બનાવવાની તાલીમ સાથે કાપડનું માપ લેવું, કટિંગ, ડિઝાઇનિંગ, મશીન સંચાલન અને ફિનિશિંગ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

રાજવી ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. મુકેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે કૌશલ્ય વિકાસના આવા કાર્યક્રમો મહિલાઓને સમાજની મુખ્ય ધારામાં પુનઃસ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે. વ્યાવસાયિક તાલીમના કારણે તેઓ જેલમુક્તિ બાદ સરળતાથી રોજગાર અથવા સ્વરોજગાર સાથે જોડાઈ શકશે.

જેલ પ્રશાસનના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ મહિલાઓમાં આત્મવિશ્વાસ વધારવા, સકારાત્મક વિચારસરણી વિકસાવવા અને તેમને સ્વાભિમાનભર્યું જીવન જીવવા માટે પ્રેરિત કરશે. આ પહેલ મહિલા બંદીવાનોના જીવનમાં આત્મનિર્ભરતા તરફનું મહત્વપૂર્ણ પગલું બની રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande