પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 'ઝીરો ડ્રોપઆઉટ રેટ' હાંસલ કરવાનો ગુજરાત સરકારનો લક્ષ્યાંક
- શિક્ષણ વિભાગની અર્લી વોર્નિંગ સિસ્ટમ (EWS) થકી સંભવિત ડ્રોપઆઉટનું જોખમ ધરાવતા 1,67,446 બાળકોને શાળા છોડતા અટકાવવામાં આવ્યા ગાંધીનગર, 25 જૂન (હિ.સ.) : પ્રાથમિક શાળામાં પ્રવેશપાત્ર પ્રત્યેક બાળકને શિક્ષણનો અધિકાર મળે અને સમગ્ર ગુજરાતમાં શિક્ષણનો વ
પ્રાથમિક અને માધ્યમિક શાળા


- શિક્ષણ વિભાગની અર્લી વોર્નિંગ સિસ્ટમ (EWS) થકી સંભવિત ડ્રોપઆઉટનું જોખમ ધરાવતા 1,67,446 બાળકોને શાળા છોડતા અટકાવવામાં આવ્યા

ગાંધીનગર, 25 જૂન (હિ.સ.) : પ્રાથમિક શાળામાં પ્રવેશપાત્ર પ્રત્યેક બાળકને શિક્ષણનો અધિકાર મળે અને સમગ્ર ગુજરાતમાં શિક્ષણનો વ્યાપ વધે તેવા ઉદ્દેશ્યથી તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રવર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. ગઇકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરની બી.એન. હાઇસ્કૂલથી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની 24મી કડીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. સતત 23 વર્ષોથી ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના કારણે રાજ્યમાં શિક્ષણ અંગે જાગૃતિ વધી છે, અને તેના પરિણામે પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓના સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયોમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત સરકાર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણના સ્તરે સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો લગભગ શૂન્ય ટકા કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અદ્યતન ટેક્નોલોજીનો અસરકારક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં કાર્યરત વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓમાં સ્કૂલ ડ્રોપઆઉટને અટકાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત અર્લી વૉર્નિંગ સિસ્ટમ (EWS) લાગૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ શાળા છોડીને જઇ શકે તેવા સંભવિત બાળકોની અગાઉથી જ ઓળખ કરી લે છે. EWS દ્વારા ગત વર્ષે 1,67,446 શાળા છોડવાનું જોખમ ધરાવતા બાળકોને શાળા છોડી દેવાથી અટકાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, શિક્ષણ વિભાગની ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમની મદદથી લગભગ 90,212 શાળા છોડી ગયેલા બાળકોને શિક્ષણમાં પાછા લાવવામાં આવ્યા છે. ગુજરાત સરકાર સુનિશ્ચિત કરી રહી છે કે, બાળકો પોતાનું સંપૂર્ણ શાળાકીય શિક્ષણ પૂર્ણ કરે અને સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો ઝીરો થઈ જાય.

સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી AI આધારિત અર્લી વૉર્નિંગ સિસ્ટમ (EWS) એક નવતર પહેલ છે, જે પ્રાથમિક શાળામાં (ધો- 1 થી 8) ભણતા પ્રત્યેક વિદ્યાર્થીના રેકોર્ડ (ઉંમર, જાતિ, વિકલાંગતા વગેરે), શાળા પ્રદર્શન, હાજરી અને મૂલ્યાંકન જેવા ડેટાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીના સંભવિત ડ્રોપઆઉટ થવાની અગાઉથી આગાહી કરે છે અને તેને અટકાવવા માટેના પગલાં લેવા માટે એલર્ટ આપે છે.

આ સિસ્ટમમાં એલ્ગોરિધમ્સ દ્વારા ડેટાની પેટર્નની ઓળખ કરીને સંભવિત ડ્રોપઆઉટ લેનારા બાળકની ઓળખ કરવામાં આવે છે, જેથી ડ્રોપઆઉટનું જોખમ ધરાવતા વિદ્યાર્થીઓ પર વિશેષ ધ્યાન આપીને ડ્રોપઆઉટ થયા પહેલા જ સમયસર પગલાં લઇ શકાય. વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ માટેના મુખ્ય પરિબળોમાં શાળામાં તેમની સતત ગેરહાજરી, શાળા શિક્ષણમાં નબળું પ્રદર્શન, બાળકની તંદુરસ્તી અને શારીરિક વિકલાંગતા, બાળકની વર્તણૂંક વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓની શાળા સંબંધિત માહિતી જેમકે, વિદ્યાર્થીની શાળાનો પ્રકાર (સરકારી, સહાયિત, ખાનગી વગેરે), મલ્ટિગ્રેડ વર્ગખંડો, શાળામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ, તેમજ વિદ્યાર્થીઓના પરિવાર અંગેની માહિતી જેમકે, પરિવારની આર્થિક સ્થિતિ, પરિવારનું સ્થળાંતર, ઘરમાં શિક્ષણ અંગેના વિચારો અને ધારણા, પરિવારમાં બાળકોની સંખ્યા, વસ્તી વિષયક માહિતી વગેરેનો પણ સંભવિત ડ્રોપઆઉટ બાળકની ઓળખ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

આ સિસ્ટમનો ઉદ્દેશ મુખ્ય સૂચકાંકોના આધારે શાળા છોડી દેવાનું જોખમ ધરાવતા બાળકોની ઓળખ કરવાનો છે. આવા બાળકોની ઓળખ થઈ ગયા પછી તેમની ચોક્કસ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે, નિવારક પ્રતિભાવ વ્યૂહરચનાઓ અને હસ્તક્ષેપોના માધ્યમથી તેમને શાળામાં ટકી રહેવા માટે સહયોગ પૂરો પાડવામાં આવે છે. આ વર્ષે પણ આ સિસ્ટમની મદદથી શાળા છોડી દેવાનું જોખમ ધરાવતા સંભવિત 1,18,234 બાળકોની ઓળખ કરવામાં આવી છે, જેમને શાળા છોડતા અટકાવવા માટેના પગલાં સમયસર હાથ ધરવામાં આવશે.

ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ (CTS) એ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને સમગ્ર શિક્ષા દ્વારા વિકસિત કરવામાં આવેલ એક ઓનલાઇન પ્લેટફોર્મ છે, જે રાજ્યના પ્રત્યેક વિદ્યાર્થીની શૈક્ષણિક માહિતીનું સંચાલન અને ટ્રેકિંગ કરે છે. ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમના મુખ્ય હેતુઓમાં, રાજ્યના દરેક બાળકનું શાળામાં નામંકન સુનિશ્ચિત કરવું, ડ્રોપઆઉટ (શાળા છોડનાર) વિદ્યાર્થીઓની ઓળખ અને પુનઃપ્રવેશ કરાવવો, વિદ્યાર્થીઓની હાજરી, પ્રગતિ અને સ્થળાંતર પર નજર રાખવી, શિક્ષણ સંબંધિત સરકારી યોજનાઓનો લાભ યોગ્ય વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવું અને દરેક બાળકનો શૈક્ષણિક રેકોર્ડ જાળવવો, વગેરેનો સમાવેશ થાય છે.

CTSમાં રાજ્યની 54,000થી વધુ શાળાઓ અને 1 કરોડથી વધુ વિદ્યાર્થીઓનો ડેટાબેઝ સમાવિષ્ટ છે. તેના થકી બાલવાટિકાથી લઈને પ્રાથમિક શિક્ષણ સુધીના વિદ્યાર્થીઓનું ટ્રેકિંગ કરવામાં આવે છે. આ સિસ્ટમ ડ્રોપઆઉટ બાળકોની ઓળખ કરવામાં અને તેમને શાળામાં ફરીથી ભણતા કરવામાં મદદરૂપ થાય છે. આ સિસ્ટમની મદદથી આ વર્ષે 90,212 શાળા છોડી ગયેલા બાળકોને શિક્ષણમાં પરત લાવવામાં આવ્યા છે.

ગુજરાત સરકારે CTSને AI આધારિત અર્લી વૉર્નિંગ સિસ્ટમ સાથે જોડવાનું શરૂ કર્યું છે, જેના દ્વારા વિદ્યાર્થીઓની હાજરી, અભ્યાસની પ્રગતિ અને અન્ય પરિબળોના આધારે ડ્રોપઆઉટ થવાની સંભાવના ધરાવતા વિદ્યાર્થીઓની વહેલી તકે ઓળખ કરી શકાય છે.

આમ, ગુજરાત સરકાર ટેક્નોલોજી આધારિત અર્લી વૉર્નિંગ સિસ્ટમ (EWS) અને ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ (CTS) જેવા ઉપક્રમો દ્વારા દરેક બાળકને શિક્ષણના પ્રવાહમાં જાળવી રાખવા માટે અસરકારક પ્રયાસો કરી રહી છે. ‘ઝીરો ડ્રોપઆઉટ રેટ’ના લક્ષ્યાંક સાથે રાજ્ય શિક્ષણના સર્વાંગી વિકાસ અને દરેક બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રતિબદ્ધ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande