
ભાવનગર, 25 જૂન (હિ.સ.) : ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં વસવાટ કરતા એક આર્થિક રીતે નબળા પરિવારની દીકરીને આરોગ્ય વિભાગના સંકલિત પ્રયાસોથી નવજીવન મળ્યું છે. જન્મજાત હૃદયની તકલીફથી પીડાતી આ બાળકીનું વજન ખૂબ ઓછું હોવાથી પરિવાર સારવાર અને ઓપરેશન માટે તૈયાર નહોતો. પરિવારની આર્થિક સ્થિતિ પણ અત્યંત નબળી હતી, જેના કારણે સારવાર અંગે અનેક અડચણો ઉભી થઈ હતી.
આ સંજોગોમાં રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK)ની ટીમ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુકડ (ઘોઘા), આયુષ્માન આરોગ્ય મંદિર મોટા ખોખરાના આરોગ્ય કર્મચારીઓ તેમજ આશા અને મહિલા આરોગ્ય કાર્યકરોએ સતત ગૃહ મુલાકાતો શરૂ કરી હતી. પરિવારને સરકાર દ્વારા ઉપલબ્ધ નિઃશુલ્ક સારવાર, આરોગ્ય યોજનાઓ અને બાળકીના ભવિષ્ય અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. વારંવારના કાઉન્સેલિંગ અને વિશ્વાસપૂર્ણ સંવાદના કારણે પરિવારનો અભિગમ ધીમે ધીમે બદલાયો હતો.
આ સમગ્ર પ્રક્રિયામાં આરોગ્ય વિભાગના તબીબો અને કર્મચારીઓ ઉપરાંત સમાજસેવી સંસ્થાઓ દ્વારા પણ જરૂરી આર્થિક સહયોગ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વિવિધ વિભાગો વચ્ચે અસરકારક સંકલન સ્થાપિત કરી બાળકીને અમદાવાદ સ્થિત યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે સારવાર માટે રિફર કરવામાં આવી હતી, જ્યાં તેનું હૃદયનું ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.
હાલમાં બાળકી સંપૂર્ણ સ્વસ્થ છે, તેનું વજન પણ વધવા લાગ્યું છે અને તે નિયમિત ફોલોઅપ સારવાર હેઠળ છે. બાળકીના ચહેરા પર ફરી ખીલેલું સ્મિત અને પરિવારની ખુશી સમગ્ર આરોગ્ય ટીમના પ્રયત્નોની સફળતાનું પ્રતિક બની છે.
આ ઘટના દર્શાવે છે કે નિષ્ઠા, સેવાભાવ, યોગ્ય માર્ગદર્શન અને ટીમવર્ક દ્વારા સરકારની આરોગ્ય સેવાઓ સમાજના છેવાડે વસતા પરિવારો સુધી પણ અસરકારક રીતે પહોંચાડી શકાય છે. આરોગ્ય વિભાગના આ પ્રયાસો અનેક પરિવારો માટે પ્રેરણારૂપ બન્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA