
રાજપીપલા, 25 જૂન (હિ.સ.) : રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં વસવાટ કરતા અનુસુચિત જાતિના 15 થી 35 વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક-યુવતીઓના સર્વાગી વિકાસ માટે તાલુકા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવનાર છે.
જેમાં તાલુકા કક્ષાએ યુવક યુવતીઓ માટે નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા, સાગબારા અને ચિકદા એમ કુલ 6 તાલુકામાં નિયત કરેલા સ્થળોએ 45 -યુવક યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર માહે જુલાઇ-2026 માસમાં યોજવામાં આવશે.
આ શિબિર દરમ્યાન શિબિરાર્થીઓના વ્યક્તિગત વિકાસ માટે યુવક મંડળની સ્થાપના, તેની રચનાની કાર્ય પધ્ધતિ, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજીક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ યુવક યુવતીઓની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજજ્ઞો દ્વારા વિવિધ સમજ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે.
જ્યારે શિબિરાર્થીઓના શારીરિક-માનસિક તેમજ આધ્યાત્મક વિકાસ માટે યોગ શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારના આસનોના પ્રત્યેક જ્ઞાન દ્વારા સમજ આપવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ