
ભાવનગર, 26 જૂન (હિ.સ.) ગ્રામ્ય અને પછાત વિસ્તારોમાં શિક્ષણ મેળવવા માટે લાંબું અંતર કાપતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નવી ગતિ અને આત્મવિશ્વાસ આપવા માટે પેડલ ટુ પ્રોગ્રેસ નામનો અનોખો માનવતાલક્ષી પ્રકલ્પ આગામી 28 જૂન, 2026ના રોજ યોજાશે. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપ, સોહમ સેવા ગ્રુપ અને પરમ સેવા દ્વારા આ ભવ્ય સાયકલ અર્પણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.
હાલ પરમ ગુરુદેવ પરમધામ સાધના સંકુલ, પડઘા ખાતે બિરાજમાન છે. તેમના પાવન સાનિધ્યમાં સવારે 7:00 વાગ્યે લાઈવ કાર્યક્રમ દ્વારા સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટના મનુભાઈ અને રીકાબેન શાહ (યુએસએ)ના સહયોગથી મનુભાઈ શાહના 82મા જન્મદિવસ નિમિત્તે દેશભરના 8,200 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સાયકલ અર્પણ કરવામાં આવશે.
આ અભિયાન હેઠળ ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના વિવિધ રાજ્યોમાં રાજકોટ, અમદાવાદ, ભાવનગર, કચ્છ, બેંગલુરુ, ચેન્નઈ, કોલકાતા, અમરાવતી, વસઈ, કલ્યાણ તેમજ પરમધામ સંકુલ આસપાસના વિસ્તારોમાં વિદ્યાર્થીઓને સાયકલોનું વિતરણ કરવામાં આવશે. આ પહેલથી હજારો વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં સરળતા મળશે અને તેમના શિક્ષણમાં આવતી મુશ્કેલીઓ ઓછી થશે.
આ પ્રસંગે સોહમ સેવા ગ્રુપ દ્વારા ગ્રામિણ ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત 22 શાળાઓમાં નિર્માણ પામેલા નવા ક્લાસરૂમ, વોટર પ્લાન્ટ તેમજ વિવિધ સિવિલ રિનોવેશન કાર્યોની પણ અનુમોદના કરવામાં આવશે. કાર્યક્રમમાં 1,500થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રિન્સિપાલો ઉપસ્થિત રહી પરમ ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત કરશે.
શિક્ષણ, સેવા અને માનવતાના મૂલ્યોને પ્રોત્સાહન આપતું પેડલ ટુ પ્રોગ્રેસ અભિયાન હજારો વિદ્યાર્થીઓના જીવનમાં આશાનું નવું કિરણ પ્રગટાવી સમાજના સર્વાંગી વિકાસ તરફ એક પ્રેરણાદાયી અને યાદગાર પહેલ સાબિત થશે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA