
અમદાવાદ,26 જૂન (હિ.સ.) કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચશે અને 27 તથા 28 જૂન દરમિયાન ગુજરાતના બે દિવસીય પ્રવાસે રહેશે. આ પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ લોકાર્પણ, ખાતમુહૂર્ત તેમજ સમીક્ષા કાર્યક્રમોમાં હાજરી આપશે.
દેશમાં સહકારી ક્ષેત્રમાં અનેક ક્રાંતિકારી સુધારાઓને લાગુ કરી સહકારી ક્ષેત્ર માટે મલ્ટીલેવલ કામગીરીઓના દ્વાર ખોલવામાં આવ્યા છે. આ પૈકી સૌથી મોટી પહેલ સહકારી ક્ષેત્રે ટેક્સી સેવાની છે. કેન્દ્રી સહકાર મંત્રી અમિત શાહે સહકારી મંડળી મારફતે પોતાની માલિકીની ટેક્સી સેવા ‘ભારત ટેક્સી’ને નવી દિલ્હીમાં લોન્ચ કરી હતી.
હવે 27 જૂનને શનિવારે ગુજરાતમાં તેનો વિધિવત શુભારંભ કરવામા આવશે. મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે શનિવારે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સહકારમંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતામંત્રી અમિતભાઇના હસ્તે ભારત ટેક્સી સેવાનો શુભારંભ થશે. ઓલા, ઉબરની જેમ આ ટેક્સી સેવા પણ એપ્લિકેશન આધારિત છે અને એમાં જોડાનાર ડ્રાઇવરને મળતી રકમમાંથી કોઇ કમિશન હાલ કાપવામાં આવતું નથી.
સાબરમતી વિધાનસભા બેઠકમાં લોકદરબાર યોજી કાર્યોની સમીક્ષા કરશે. આ ઉપરાંત, તેઓ જિલ્લા કક્ષાની ‘દિશા’ બેઠક, ‘ગાંધીનગર હરિયાળી લોકસભા’ અંતર્ગત સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમની સમીક્ષા અને 28 જૂને સંસદીય ક્ષેત્રના કાર્યકરો સાથે ચિંતન શિબિર યોજી તે જ દિવસે દિલ્હી જવા રવાના થશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ