ડૉ. ભૈરવી દીક્ષિત-ત્રિવેદીને બેસ્ટ ફિમેલ સિંગરનો નેશનલ ફિલ્મ ફેઈમ એવોર્ડ
ભાવનગર, 26 જૂન (હિ.સ.) : મૂળ ભાવનગરના અને હાલમાં ગાંધીનગર સ્થિત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડૉ. ભૈરવી દીક્ષિત-ત્રિવેદીને તેમના હૃદયસ્પર્શી સંસ્કૃત ગીત દેવવાનીમ માટે પ્રતિષ્ઠિત બેસ્ટ ફિમેલ સિંગર – ફિલ્મ ફેઈમ નેશનલ
એવોર્ડ વિજેતા


ભાવનગર, 26 જૂન (હિ.સ.) : મૂળ ભાવનગરના અને હાલમાં ગાંધીનગર સ્થિત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડૉ. ભૈરવી દીક્ષિત-ત્રિવેદીને તેમના હૃદયસ્પર્શી સંસ્કૃત ગીત દેવવાનીમ માટે પ્રતિષ્ઠિત બેસ્ટ ફિમેલ સિંગર – ફિલ્મ ફેઈમ નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સિદ્ધિ સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત બની છે.

તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીના અટલ-કલામ હોલ ખાતે યોજાયેલા ભવ્ય ગ્રાન્ડ સ્ટાર ફિલ્મ ફેઈમ ગુજરાતી સિને એવોર્ડ સમારંભમાં વરિષ્ઠ અભિનેતા જીતેન્દ્ર ઠક્કરના હસ્તે ડૉ. ભૈરવી દીક્ષિત-ત્રિવેદીને એવોર્ડ અર્પણ કરી બહુમાનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ફિલ્મ, સંગીત અને કલા ક્ષેત્રના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ડૉ. ભૈરવી દીક્ષિત-ત્રિવેદી શિક્ષણ ક્ષેત્રે પોતાની સેવાઓ સાથે સંસ્કૃત ભાષા અને સંગીતના પ્રચાર-પ્રસાર માટે પણ સતત કાર્યરત છે. તેમના સ્વરમાં રજૂ થયેલું દેવવાનીમ ગીત સંસ્કૃત ભાષાની મધુરતા, આધ્યાત્મિકતા અને ભારતીય સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતું હોવાથી શ્રોતાઓમાં વિશેષ લોકપ્રિય બન્યું છે. તેમની આ સિદ્ધિ સંસ્કૃત સંગીતને રાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ અપાવનારી સાબિત થઈ છે.

ઉલ્લેખનીય છે કે જીતેન્દ્ર ઠક્કર ગુજરાતી રંગભૂમિ, ટેલિવિઝન અને ફિલ્મ જગતના જાણીતા તથા અનુભવી વરિષ્ઠ કલાકાર છે. જ્યારે ઝવેર ફિલ્મફેઈમ મેગેઝીનના સ્થાપક અને મુખ્ય સંપાદક વિષ્ણુ રબારીએ ફિલ્મફેઈમ ફેસ્ટિવલની સ્થાપના કરીને અનેક યુવા અને પ્રતિભાશાળી કલાકારોને પોતાની પ્રતિભા રજૂ કરવા માટે મહત્વપૂર્ણ મંચ પૂરો પાડ્યો છે.

ડૉ. ભૈરવી દીક્ષિત-ત્રિવેદીને મળેલા આ રાષ્ટ્રીય સન્માનથી ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં આનંદની લાગણી વ્યાપી છે. તેમની આ ઉપલબ્ધિ યુવા કલાકારો અને સંસ્કૃત ભાષા પ્રત્યે રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે તેમજ સંસ્કૃત સંગીતના ક્ષેત્રમાં વધુ સર્જનાત્મક કાર્ય માટે નવી ઊર્જા અને પ્રોત્સાહન પૂરું પાડશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande