
- સૂર્યપ્રકાશથી સોલર સુધી, ગુજરાત સરકારનો ગ્રીન એનર્જી રોડમેપ: સરકારી કચેરીઓમાં ઊર્જા બચત અંગે માર્ગદર્શિકા જાહેર
ગાંધીનગર, 26 જૂન (હિ.સ.) : ગ્લોબલ વોર્મિંગ અને દિન-પ્રતિદિન વધતા જતા તાપમાનને કારણે વીજળીની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યની તમામ સરકારી-અર્ધસરકારી કચેરીઓ, બોર્ડ-કોર્પોરેશનો અને જાહેર ઇમારતોમાં ઊર્જા કાર્યક્ષમતા તેમજ બચત માટે એક વ્યાપક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકારના ઊર્જા બચાવો અભિયાન અંતર્ગત ઊર્જા અને પેટ્રોકેમિકલ તેમજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય કામકાજની ક્ષમતાને અસર કર્યા વિના બિનજરૂરી વીજ વપરાશ ઘટાડીને નાણાકીય શિસ્ત અને પર્યાવરણીય લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાનો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને ઊર્જા-પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર તમામ જાહેર ક્ષેત્રોમાં ઊર્જા કાર્યક્ષમતા, ઊર્જા ઉત્પાદન, ટકાઉ વિકાસ અને ખર્ચ-અસરકારકતાને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. રાજ્યની સરકારી કચેરીઓ અને વહીવટી ઇમારતો એ સંસ્થાકીય વીજળી વપરાશનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જ્યાં કામકાજની ક્ષમતાને અસર કર્યા વિના મોટા પ્રમાણમાં ઊર્જા બચાવી શકાય છે, જેને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા મુજબ વીજ બચતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કચેરીને રાજ્ય સરકાર દ્વારા સન્માનિત પણ કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે જવાબદારીપૂર્વકના ઊર્જા વપરાશની વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. ઓફિસ સમય પૂર્ણ થયા બાદ, સપ્તાહના અંતે અથવા જાહેર રજાઓના દિવસોમાં તમામ લાઈટ, પંખા, એસી અને કમ્પ્યુટર સિસ્ટમ ફરજિયાત બંધ રાખવાની રહેશે. જે અધિકારીઓ રજા પર કે ફિલ્ડ ડ્યુટી પર હોય તેમની ખાલી કેબિનના વીજ ઉપકરણો પણ બંધ રાખવા માટે કચેરીના વડાઓએ દૈનિક દેખરેખ રાખવાની રહેશે તેમજ દરેક મોટા વિભાગમાં 'નોડલ અધિકારી' ની નિમણૂક કરવામાં આવશે.
BEEના નોટિફિકેશન અનુસાર, તમામ સરકારી કચેરીઓમાં એર કન્ડીશનરનું ડિફોલ્ટ ટેમ્પરેચર સેટિંગ ફરજિયાત 24 ડિગ્રી સેલ્સિયસ રાખવાનું રહેશે. આ ઉપરાંત, મેન્યુઅલ ભૂલોને કારણે થતો વીજ વ્યય અટકાવવા માટે કચેરીના કોરિડોર્સ, મીટિંગ રૂમ, પાર્કિંગ એરિયા અને શૌચાલયોમાં આપમેળે કામ કરતા ઓક્યુપન્સી સેન્સર્સ અને ટાઈમર આધારિત ઓટોમેશન કંટ્રોલ સિસ્ટમ્સ સ્થાપિત કરવામાં આવશે. કચેરી સમય બાદ એટલે કે સાંજે 6 વાગ્યા પછી વોટર કુલર બંધ કરવા અને સવારે 9 વાગ્યા પછી જ ચાલુ કરવાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
ઊર્જા ક્ષેત્રે મોટા સુધારાના ભાગરૂપે, તમામ સરકારી ઇમારતોમાં જૂની પરંપરાગત લાઈટોને બદલીને વીજળી બચાવતી આધુનિક LED લાઈટો લગાવવામાં આવશે અને ભવિષ્યની ખરીદીમાં 5-સ્ટાર રેટિંગવાળા સાધનોને જ પ્રાથમિકતા અપાશે. મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં સેન્ટ્રલાઇઝ કંટ્રોલ મોનિટરિંગ સિસ્ટમ-CCMS મારફતે સ્ટ્રીટ લાઈટો ચાલુ-બંધ કરવાનો સમય સૂર્યોદય અને સૂર્યાસ્તના ખગોળીય સમય સાથે સેન્ટ્રલ લિંક કરી દરરોજ 60 મિનિટની સીધી વીજ બચત કરાશે. એટલું જ નહીં, રાત્રે 12 થી સવારે 4 વાગ્યા સુધીના ઓછા ટ્રાફિક વાળા સમયે પ્રાયોગિક ધોરણે એકાંતરે પોલની લાઈટો બંધ રાખવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
તદુપરાંત બહુમાળી મકાનોમાં લિફ્ટનો ઉપયોગ ઘટાડી અને સીડીનો ઉપયોગ થાય તે પ્રકારે જાગૃતિ માટેના પોસ્ટરો લગાડવામાં આવશે. દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ મળતો હોય તો ઓછામાં ઓછી લાઈટોનો વપરાશ કરી શકાય તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવશે. વિવિધ સરકારી કચેરીઓમાં સોલાર પેનલ સિસ્ટમ લાગી શકે તેવી ખુલ્લી જગ્યા મળતી હોય તો તે લગાવવા માટેનું જરૂરી આયોજન કરવાનું રહેશે. GEDA દ્વારા જે સરકારી મકાનોમાં વીજ ઉત્પાદન માટે સોલાર પેનલ લગાડવામાં આવી છે તે ચકાસણી કરી કાર્યરત ન હોય તો તેને પુનઃકાર્યરત થાય તેમજ યોગ્ય ક્ષમતાનું વીજ ઉત્પાદન થાય તે માટેની કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્ય સરકારના આ આદેશોનો યોગ્ય અમલ થાય, તે માટે દેખરેખનું યોગ્ય માળખું તૈયાર કરવામાં આવ્યું છે. તમામ વિભાગોએ આગામી 45 દિવસની અંદર પોતાનો ઓફિસ એનર્જી એફિશિયન્સી એક્શન પ્લાન તૈયાર કરી ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી-GEDAને સબમિટ કરવાનો રહેશે. આ ઉપરાંત ઊર્જા વપરાશ અંગેના ત્રિમાસિક અહેવાલો મોકલવાના અને દર વર્ષે થર્ડ-પાર્ટી એનર્જી ઓડિટર્સ દ્વારા ફરજિયાત ઊર્જા ઓડિટ કરાવવાનું રહેશે. જે કચેરીઓ આ અભિયાનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે તેમને પ્રોત્સાહિત કરી સન્માનિત પણ કરવામાં આવશે, તેમ ઊર્જા-પેટ્રોકેમિકલ તેમજ માર્ગ-મકાન વિભાગની સંયુક્ત યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ