
બોટાદ, 26 જૂન (હિ.સ.)રાજ્ય સરકારના ‘પ્રગતિનો પ્રવેશોત્સવ : શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ-૨૦૨૬’ અંતર્ગત બોટાદ જિલ્લામાં પાંચ નવી આંગણવાડીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ નવી આંગણવાડીઓના પ્રારંભથી જિલ્લાના નાનાં બાળકોને ગુણવત્તાસભર પૂર્વ પ્રાથમિક શિક્ષણ, પોષણયુક્ત આહાર અને સર્વાંગી વિકાસ માટે વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ બનશે.
આંગણવાડી એ બાળકના જીવનના પ્રારંભિક તબક્કાનું મહત્વપૂર્ણ શિક્ષણ કેન્દ્ર છે. અહીં બાળકોને રમતાં-રમતાં શીખવાની પદ્ધતિ દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. સાથે જ તેમના શારીરિક અને માનસિક વિકાસને પ્રોત્સાહન મળે તે માટે વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
નવી આંગણવાડીઓમાં બાળકોને પૂરક પોષણ, આરોગ્ય ચકાસણી, રસીકરણ અંગે જાગૃતિ તેમજ સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત માર્ગદર્શન જેવી સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગર્ભવતી અને ધાત્રી માતાઓને પણ પોષણ અને આરોગ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવશે, જેથી માતા અને બાળક બંનેનું સ્વાસ્થ્ય વધુ મજબૂત બની શકે.
રાજ્ય સરકાર દ્વારા બાળ વિકાસ અને શિક્ષણને પ્રાથમિકતા આપતા આંગણવાડી સુવિધાઓના વિસ્તરણ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. બોટાદ જિલ્લામાં શરૂ થયેલી આ પાંચ નવી આંગણવાડીઓ ગ્રામ્ય વિસ્તારોના પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે અને બાળકોના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમનો મુખ્ય હેતુ દરેક બાળક સુધી શિક્ષણ પહોંચાડવાનો, બાળકીના શિક્ષણને પ્રોત્સાહન આપવાનો અને શિક્ષણ સાથે પોષણ તથા આરોગ્યની સુવિધાઓને વધુ મજબૂત બનાવવાનો છે. નવી આંગણવાડીઓના લોકાર્પણથી આ દિશામાં બોટાદ જિલ્લામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA