જૂનાગઢ જિલ્લામાં પલ્સ પોલિયો રસીકરણનું મહા અભિયાન: ૧,૦૨,૨૬૭ બાળકોને રક્ષિત કરાશે
જુનાગઢ 26 જૂન (હિ.સ.) જૂનાગઢ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ના માર્ગદર્શન હેઠળ ૭૭૭ સ્થાયી, ૨૦ મોબાઈલ અને ૩૫ ટ્રાન્ઝીટ બૂથ કાર્યરત કરાયા. આપણો દેશ વર્ષ ૨૦૧૪માં પોલિયો મુક્ત જાહેર કરવામાં આવેલ છે, પરંતુ હજુ પણ કેટલાક દેશોમાંથી પોલિયો ના
જૂનાગઢ જિલ્લામાં પલ્સ પોલિયો રસીકરણનું મહા અભિયાન: ૧,૦૨,૨૬૭ બાળકોને રક્ષિત કરાશે


જુનાગઢ 26 જૂન (હિ.સ.) જૂનાગઢ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ના માર્ગદર્શન હેઠળ ૭૭૭ સ્થાયી, ૨૦ મોબાઈલ અને ૩૫ ટ્રાન્ઝીટ બૂથ કાર્યરત કરાયા.

આપણો દેશ વર્ષ ૨૦૧૪માં પોલિયો મુક્ત જાહેર કરવામાં આવેલ છે, પરંતુ હજુ પણ કેટલાક દેશોમાંથી પોલિયો નાબૂદ ન થયો હોવાથી તે ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે. ભારત દેશને પોલિયો મુક્ત બનાવી રાખવા માટે સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતા પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત જૂનાગઢ જિલ્લાના તમામ ગામો અને શહેરોમાં અંદાજે ૧,૦૨,૨૬૭ બાળકોને પોલિયો મુક્ત કરવાનું મહા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

જૂનાગઢ જિલ્લાના ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને આવરી લેવા માટે આગામી તા.૨૮/૦૬/૨૦૨૬ રવિવારના રોજ બૂથ ઉપર રસીકરણ કરવામાં આવશે. જ્યારે તા.૨૯/૦૬/૨૦૨૬ તથા તા.૩૦/૦૬/૨૦૨૬ ના રોજ આરોગ્ય ટીમો દ્વારા ઘરે-ઘરે મુલાકાત કરીને આ કામગીરી કરવામાં આવશે.

જૂનાગઢ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરી તથા જિલ્લા વિકાસ અધિકારી જયંત સિંહ રાઠૌર ના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર રસીકરણનું આયોજન કરાયું છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાના દરેક ગામે પોલિયોના કુલ ૭૭૭ સ્થાયી બૂથ બનાવવામાં આવ્યા છે. છૂટાછવાયા અને વાડી વિસ્તારોમાં રહેતા કુટુંબોના બાળકો માટે ૨૦ મોબાઈલ બૂથ ની વ્યવસ્થા કરવામાં આવી છે. રેલવે સ્ટેશનો, એસ.ટી. સ્ટેન્ડ, મોટા મંદિરો અને મેળાઓ જેવા જાહેર સ્થળોએ ૩૫ ટ્રાન્ઝીટ બૂથો ગોઠવવામાં આવ્યા છે.

અગાઉ જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાના અધિકારીઓની હાજરીમાં સ્ટીઅરીંગ કમિટીની મીટિંગ યોજીને પ્લસ પોલીયો અભિયાનને સફળ બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અભિયાનને સફળ બનાવવા માટે ૫૯૩-આરોગ્ય કર્મચારી, ૬૧૩-આંગણવાડી કાર્યકર/હેલ્પર બહેનો, ૯૮૭-આશા કાર્યકર બહેનો તથા ૨૨૪-અન્ય સ્વયંસેવકો મળીને કુલ ૨૪૧૭ કર્મચારીઓની ૧૧૭૨ ટીમો બનાવવામાં આવી છે. આ કામગીરીનું સુપરવિઝન ૧૧૮-ઝોનલ સુપરવાઇઝર્સ કરશે અને જિલ્લાના વર્ગ-૧ અને ૨ ના અધિકારીઓ દ્વારા તમામ કામગીરીનું લાઈઝનીંગ કરવામાં આવશે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અલ્પેશ એસ. સાલ્વી દ્વારા વાલીઓને અનુરોધ કરવામાં આવ્યો છે કે, તમારા ૦ થી ૫ વર્ષના બાળકને નજીકના પોલિયો બૂથ પર લઈ જઈને પોલિયો રસીના બે ટીપા અચૂક પીવડાવો. બાળકને અગાઉ ગમે તેટલી વાર રસી પીવડાવી હોય કે બાળક સામાન્ય બીમાર હોય, તો પણ આ દિવસે ફરીથી રસી અપાવવી જરૂરી છે. આ સાથે જ ગામના આગેવાનો, પદાધિકારીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓને પણ આ અભિયાનમાં યોગ્ય સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande