જૂનાગઢ જિલ્લામાં યુવા આપદા મિત્ર યોજના અંતર્ગત ૦૭ દિવસીય આપદા વ્યવસ્થાપન તાલીમ યોજાશે
જુનાગઢ 26 જૂન (હિ.સ.) રાષ્ટ્રીય આપદા વ્યવસ્થાપન પ્રાધિકરણ (NDMA) ના માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત રાજ્ય આપદા વ્યવસ્થાપન પ્રાધિકરણ (GSDMA) અને સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) ના સહયોગથી યુવા આપદા મિત્ર યોજના અંતર્ગત જૂનાગઢ જિલ
જૂનાગઢ જિલ્લામાં યુવા આપદા મિત્ર યોજના અંતર્ગત ૦૭ દિવસીય આપદા વ્યવસ્થાપન તાલીમ યોજાશે


જુનાગઢ 26 જૂન (હિ.સ.) રાષ્ટ્રીય આપદા વ્યવસ્થાપન પ્રાધિકરણ (NDMA) ના માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત રાજ્ય આપદા વ્યવસ્થાપન પ્રાધિકરણ (GSDMA) અને સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) ના સહયોગથી યુવા આપદા મિત્ર યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ૦૭ દિવસીય આપદા વ્યવસ્થાપન તાલીમ કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવશે.

આ તાલીમ કાર્યક્રમ જુલાઈ-૨૦૨૬ દરમિયાન યોજાનાર છે, જેમાં જૂનાગઢ જિલ્લાના કુલ ૧૩૧ MY Bharat યુવા સ્વયંસેવકોને તાલીમ આપવામાં આવશે. તાલીમમાં ભાગ લેવા માટે અરજદારની વય ૧૮ થી ૪૦ વર્ષ વચ્ચે હોવી આવશ્યક છે. ઉપરાંત, અરજદાર જૂનાગઢ જિલ્લાનો રહેવાસી હોવો તેમજ MY Bharat Portal પર નોંધાયેલ હોવો ફરજિયાત છે. આપદા વ્યવસ્થાપન અને સામાજિક સેવા પ્રત્યે રસ ધરાવતા યુવાનોને પસંદગીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.

તાલીમ દરમિયાન પ્રતિભાગીઓને આપદા વ્યવસ્થાપન તથા શોધ અને બચાવ અંગે પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે. ઉપરાંત વીમા કવરેજ, રેસ્ક્યૂ કિટ, ઓળખપત્ર, તાલીમ પૂર્ણતા પ્રમાણપત્ર, અભ્યાસ સામગ્રી અને પુસ્તિકાઓ સહિત ભોજન તથા અન્ય જરૂરી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે.

આ તાલીમનો મુખ્ય હેતુ યુવાનોને આપત્તિની સ્થિતિમાં ઝડપી અને અસરકારક પ્રતિસાદ આપવા માટે સક્ષમ બનાવવાનો છે. તાલીમાર્થીઓ રાહત અને બચાવ કામગીરીમાં સક્રિય સહભાગી બની શકે તેમજ પોતાના વિસ્તાર અને સમુદાયને વધુ સુરક્ષિત અને આપદા-પ્રતિરોધક બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપી શકે તે માટે તેમને સજ્જ કરવામાં આવશે.

ઇચ્છુક અને પાત્ર યુવાનોને MY Bharat Portal પર પોતાની નોંધણી સુનિશ્ચિત કરવા તેમજ આગામી માહિતી માટે સંબંધિત અધિકારીનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande