

કચ્છ, 26 જૂન (હિ.સ.) અંજારના વર્ષામેડી વિસ્તારમાં આવેલી બાગેશ્રીનગર-1 (ઓમનગર) સોસાયટીમાં થયેલા ખુની કોશિશ, મારામારી અને તોફાનના ગંભીર ગુનાનો ભેદ અંજાર પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલ પિસ્તોલ, ધારિયું, લાકડી તેમજ કાર સહિત રૂ. 10.26 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તપાસ દરમિયાન આરોપીના કબજામાંથી વિદેશી દારૂનો જથ્થો પણ મળી આવતા પ્રોહિબિશન હેઠળ વધુ એક ગુનો નોંધાયો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, 21 જૂન 2026ના રોજ બપોરના સમયે અગાઉ થયેલી પોલીસ ફરિયાદો અને સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરાને લઈને ચાલતા મનદુઃખના કારણે બે જૂથો વચ્ચે ઉગ્ર તકરાર સર્જાઈ હતી. આ દરમિયાન આરોપીઓએ એકજૂથ બની જીવલેણ હુમલો કર્યો હતો. મુખ્ય આરોપીએ પિસ્તોલ વડે ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે અન્ય આરોપીઓએ ધારદાર હથિયાર અને લાકડીઓ વડે હુમલો કરી મહિલાઓ સહિત અનેક લોકોને ઈજાઓ પહોંચાડી હતી. હુમલામાં એક મહિલાના માથામાં ગંભીર ઈજા થઈ હતી તેમજ ફરિયાદી પક્ષની બસના કાચ તોડી નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું હતું. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાના નેતૃત્વમાં અલગ-અલગ પોલીસ ટીમો રચી આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી પિસ્તોલ, કારતૂસ, ધારિયું, લાકડી અને કાર કબજે કરી હતી. ત્યારબાદ કોર્ટમાંથી રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપી કાનજી ઉર્ફે ડાનો વેલાભાઈ બઢીયા, જે પોલીસ ચોપડે નોંધાયેલ બુટલેગર હોવાનું સામે આવ્યું, તેની પાસેથી મહત્વની માહિતી મળી હતી. આરોપીની નિશાનદેહી પરથી તેના સંબંધી મકાનમાં દરોડો પાડતાં વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 230થી વધુ બોટલો મળી આવી હતી. અંદાજે રૂ. 48,996ની કિંમતનો આ જથ્થો કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ અલગ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ કેસમાં કાનજી ઉર્ફે ડાનો વેલાભાઈ બઢીયા, વિજયસિંહ હનુભા ઝાલા, પ્રવીણ ઉર્ફે લાલો ધનજીભાઈ પ્રજાપતિ અને પૃથ્વિરાજસિંહ ઉર્ફે સોનુ મનુભાઈ પુરબિયાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અનુડો કડલ, વિજય સંઘાર, હિતેષ વેલાભાઈ બઢીયા અને સેજલ કાના બઢીયા સહિતના અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જી. વાળા, પી.એસ.આઈ. જે.એસ. ચુડાસમા તેમજ અંજાર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોલીસે જણાવ્યું છે કે બાકીના ફરાર આરોપીઓને પણ ટૂંક સમયમાં ઝડપી લેવા માટે સઘન પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar