
ભાવનગર, 26 જૂન (હિ.સ.) : કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત ત્રીજા દિવસે ભાવનગર જિલ્લાના નારી ગામ સ્થિત એ.કે. મોરડીયા હાઇસ્કૂલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા વિકસાવવામાં આવેલી આધુનિક 'સંસ્કૃત કક્ષ'નું ઉદ્ઘાટન રાજ્યના કૃષિ અને પશુપાલન કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસારને નવી દિશા આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના વિઝન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ (NEP-2020) અને સરળ માનક સંસ્કૃતના અભિગમને અનુરૂપ રાજ્યમાં સંસ્કૃત ભાષાના અભ્યાસને વધુ સરળ, રસપ્રદ અને અસરકારક બનાવવા માટે આ સંસ્કૃત કક્ષ તૈયાર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓમાં ભાષાકૌશલ્ય, ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની સમજ અને સંસ્કૃત પ્રત્યેનો લગાવ વધે તે માટે આ પહેલ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
સંસ્કૃત કક્ષમાં વિવિધ શૈક્ષણિક ચાર્ટ, દૃશ્યાત્મક સામગ્રી, ભાષા આધારિત પ્રવૃત્તિઓ તેમજ સરળ અભ્યાસ પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના માધ્યમથી વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષાને માત્ર વિષય તરીકે નહીં પરંતુ વ્યવહારિક રીતે પણ સરળતાથી સમજી અને શીખી શકશે. શિક્ષકોને પણ આધુનિક શિક્ષણ પદ્ધતિ દ્વારા સંસ્કૃતનું અસરકારક અધ્યાપન કરવામાં મદદ મળશે.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે સંસ્કૃત માત્ર પ્રાચીન ભાષા જ નહીં પરંતુ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને વૈદિક પરંપરાનું આધારસ્તંભ છે. નવી પેઢીને સંસ્કૃત સાથે જોડવાથી તેમના વ્યક્તિત્વ વિકાસ, નૈતિક મૂલ્યો અને ભારતીય જ્ઞાન પરંપરા પ્રત્યેની સમજ વધુ મજબૂત બનશે.
આ સંસ્કૃત કક્ષ રાજ્ય સરકાર અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના પ્રયાસોને વધુ બળ આપશે તેમજ શાળાઓમાં સંસ્કૃતમય શૈક્ષણિક વાતાવરણ સર્જી વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ સાથે ભારતીય સંસ્કૃતિના મૂળ સાથે જોડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA