
જુનાગઢ 26 જૂન (હિ.સ.) જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા નોબલ યુનિવર્સિટી સીટી કેમ્પસ ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાચ્છું વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી જિલ્લા કક્ષાના ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ હતું.
આ ભરતીમેળામાં ૫૦૦૦થી વધુ ઉમેદવારોને ઈ-મેઇલ અને સોશિયલ મિડિયાના જુદા-જુદા માધ્યમથી ઈન્ટરવ્યું પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતા. જૂનાગઢ જિલ્લાના નોંધાયેલા રોજગાર વાંચ્છુંઓ માંથી ૨૯૭૫ને જોબફેરમાં આવવા-જવા માટે એસ.ટી.બસમાં વિનામૂલ્યે મુસાફરી હેતુ એસ.ટી.કુપન ફાળવવામાં આવ્યા હતાં. આ ભરતીમેળામાં ૫૦૦થી વધુ ઉમેદવારો હાજર રહ્યા હતા.
આ તકે ઉપસ્થિત તમામ નોકરીદાતાઓ દ્વારા ખાલી રહેલ જગ્યા તેમજ મહેનતાણુ અન્ય લાભો અને સુવિધાઓ જેવી પ્રાથમિક જાણકારીથી ઉમેદવારોને માહિતગાર કર્યા હતા. તેમજ જિલ્લા રોજગાર કચેરીના અધિકારી/કર્મચારીઓ દ્વારા રોજગાર કચેરીની સેવાઓ તથા રોજગારવાંચ્છુ ઉમેદવારોને મોટીવેશન આપી કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ મેળામાં કુલ ૨૦- નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારો માટે ઈન્ટરવ્યું પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી. જેમાં હાજર રહેલ ઉમેદવારો પૈકી ૩૧૯ જેટલા ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ તથા આવડતના આધારે પ્રાથમિક પસંદગી કરવામાં આવેલ હતી. આમ એક અખબાર યાદિમાં જણાવવામાં આવ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ