
બોટાદ, 07 જૂન (હિ.સ.)સમાજમાં પ્રામાણિકતા અને ફરજનિષ્ઠાના મૂલ્યોને જીવંત રાખતા બોટાદ જિલ્લાના હોમગાર્ડ સભ્યો પ્રવીણ સોલંકી અને ગૌરવ જેઠવાએ એક પ્રશંસનીય કાર્ય કરીને લોકો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાત્રી પેટ્રોલિંગ અને ફરજ દરમિયાન બંને જવાનોને ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં એક પર્સ મળી આવ્યો હતો. પર્સની તપાસ કરતા તેમાં મોબાઈલ ફોન, રોકડ રકમ તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓ હોવાનું જાણવા મળ્યું હતું.
મળેલ પર્સમાં રહેલી વિગતોના આધારે બંને હોમગાર્ડ જવાનોએ તાત્કાલિક મૂળ માલિકને શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સતત તપાસ અને સંપર્ક બાદ તેઓ પર્સના વાસ્તવિક માલિક સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ તમામ સામાન સહિતનો પર્સ સુરક્ષિત રીતે મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યો હતો.
અચાનક ખોવાઈ ગયેલા કિંમતી સામાન અને રોકડ રકમ પરત મળતાં માલિકે હોમગાર્ડ જવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ફરજ પ્રત્યેની નિષ્ઠા અને પ્રામાણિકતા આજે પણ સમાજમાં જીવંત છે.
હોમગાર્ડ સભ્ય પ્રવીણ સોલંકી અને ગૌરવ જેઠવાના આ સરાહનીય કાર્યની નોંધ લઈને ઓફિસર કમાન્ડિંગ સિટી-બી યુનિટ તેમજ જિલ્લા કમાન્ડન્ટ દ્વારા તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આવા કાર્યો હોમગાર્ડ દળની સકારાત્મક છબી મજબૂત બનાવે છે અને અન્ય જવાનોને પણ પ્રેરણા આપે છે.
આ ઘટના માત્ર ખોવાયેલ સામાન પરત કરવાનો પ્રસંગ નથી, પરંતુ માનવતા, ઈમાનદારી અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ છે. સમાજમાં વિશ્વાસ અને સુરક્ષાની ભાવના જાળવવામાં આવા જવાનોનું યોગદાન ખરેખર પ્રશંસનીય છે. હોમગાર્ડ દળના આ બંને સભ્યોએ પોતાના કાર્ય દ્વારા જાહેર સેવા અને પ્રામાણિકતાના મૂલ્યોને વધુ ઉજાગર કર્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA