
ભાવનગર, 07 જૂન (હિ.સ.) : ભાવનગર જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.)ને મિલકત સંબંધિત ગુનાઓના ભેદ ઉકેલવામાં મહત્વની સફળતા મળી છે. એલ.સી.બી.ની ટીમ તળાજા અને ભાવનગર ડિવિઝન વિસ્તારમાં ચોરીના ગુનાઓના શકમંદોની તપાસમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે તળાજા-પાલીતાણા ચોકડી પુલ નીચે દરોડો પાડવામાં આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી પાંચ શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ, બે મોટરસાયકલ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 12,46,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીઓ આ માલમિલકત અંગે કોઈ આધાર-પુરાવા કે બિલ રજૂ કરી શક્યા ન હતા.
આરોપીઓની વધુ કડક પૂછપરછ કરતાં તેમણે આશરે એક મહિના અગાઉ તળાજા તાલુકાના દેવલી ગામમાં એક રહેણાંક મકાનનું તાળું તોડી ઘરફોડ ચોરી કરી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ઉપરાંત, તેમણે રાજસ્થાન રાજ્યના જોધપુર જિલ્લાના બલાર વિસ્તાર અને આસપાસના ગામોમાં પણ દિવસ દરમિયાન દાગીનાની ચોરીઓ આચરી હોવાનું સ્વીકાર્યું હતું.
પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 2.10 લાખ રોકડ, આશરે રૂ. 9.81 લાખના સોના-ચાંદીના દાગીના, બે મોટરસાયકલ અને મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા પાંચેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમને તળાજા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
આ કેસના તાર રાજસ્થાન સુધી પહોંચતા હોવાથી ત્યાંની પોલીસને પણ જાણ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ભાવનગર એલ.સી.બી.ની સતર્કતા અને ઝડપી કાર્યવાહીના કારણે ઘરફોડ ચોરીનો મહત્વનો ગુનો ઉકેલાતા સ્થાનિક નાગરિકોમાં સુરક્ષાની લાગણી વધુ મજબૂત બની છે. પોલીસ દ્વારા આરોપીઓના અન્ય ગુનાઓ અંગે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA