
ભાવનગર 7 જૂન (હિ.સ.)ભાવનગર પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક (ડીઆરએમ) દિનેશ વર્માએ તા. 06 જૂન, 2026 (શનિવાર)ના રોજ ધોળા જંક્શન સ્ટેશનથી વાંસજાળિયા જંક્શન સ્ટેશન સુધી વિસ્તૃત વિન્ડો ટ્રેલિંગ નિરીક્ષણ કર્યું. આ દરમિયાન તેમણે ધોળા જંક્શન, જેતપુર, જેતલસર, ઉપલેટા, ભાયાવદર તથા વાંસજાળિયા સ્ટેશનોનું સંરક્ષા, સંચાલન અને યાત્રી સુવિધાઓના દૃષ્ટિકોણથી સઘન નિરીક્ષણ કર્યું.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતાં જણાવ્યું કે, નિરીક્ષણ દરમિયાન વર્માએ ધોળા–જેતપુર–જેતલસર–ઉપલેટા–ભાયાવદર–વાંસજાળિયા સેક્શનમાં ચાલી રહેલા વિકાસકાર્યોની વિશેષ સમીક્ષા કરી. તેમણે નિર્માણકાર્યોની ગુણવત્તા, નિર્ધારિત સંરક્ષા ધોરણોના પાલન તથા કાર્યોની પ્રગતિનું વિગતવાર મૂલ્યાંકન કર્યું અને સંબંધિત અધિકારીઓને સમયબદ્ધ તથા ગુણવત્તાસભર કામગીરી સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી.
આ ઉપરાંત, મંડળ રેલ પ્રબંધકે સેક્શનમાં ચાલી રહેલા વિવિધ નિર્માણકાર્યો, પાટા માળખું (ટ્રેક સ્ટ્રક્ચર), સિગ્નલ અને દૂરસંચાર વ્યવસ્થાઓ તેમજ અન્ય રેલવે આધારભૂત સુવિધાઓનું પણ સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું. તેમણે રેલવે સંપત્તિઓના જાળવણી કાર્ય અને સંરક્ષા ધોરણોના પાલન પ્રત્યે વિશેષ સતર્કતા રાખવા પર ભાર મૂક્યો.
વર્માએ યાત્રિયોને ઉપલબ્ધ કરાવવામાં આવતી સુવિધાઓ જેવી કે, સ્ટેશન પરિસરની સ્વચ્છતા, પીવાના પાણીની વ્યવસ્થા, પ્રતીક્ષાલય, પ્લેટફોર્મ પર ઉપલબ્ધ સુવિધાઓ તેમજ યાત્રી સુરક્ષા વ્યવસ્થાઓનું અવલોકન કર્યું. નિરીક્ષણ દરમિયાન તેમણે સંબંધિત અધિકારીઓને યાત્રિયોને વધુ સારી, સુરક્ષિત અને સુવિધાજનક સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી.
મંડળ રેલ પ્રબંધકે અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધિત કરતાં જણાવ્યું કે, રેલવે સંચાલનમાં સંરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને સંરક્ષા ધોરણોનું શત-પ્રતિશત પાલન સુનિશ્ચિત કરવું દરેક કર્મચારીની સામૂહિક જવાબદારી છે. તેમણે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ઉચ્ચ સ્તરની સતર્કતા, સંકલન અને કાર્યકુશળતા સાથે પોતાના દાયિત્વો નિભાવવાનું આહ્વાન કર્યું.
આ નિરીક્ષણ દરમિયાન મંડળના વિવિધ વિભાગોના શાખા અધિકારીઓ તથા સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ