
અમરેલી, 07 જૂન (હિ.સ.) : અમરેલી જિલ્લામાં દિકરીના જન્મને પ્રોત્સાહન આપવા અને સમાજમાં દિકરી પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસાવવા માટે “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અંતર્ગત અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે નવજાત દિકરીઓને દિકરી વધામણા કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલમાં જન્મેલી નવજાત દિકરીઓના પરિવારોને શુભેચ્છા પાઠવી દિકરી વધામણા કિટ અર્પણ કરવામાં આવી હતી. આ કિટ દ્વારા દિકરીના જન્મને આનંદ અને ગૌરવ સાથે ઉજવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ પરિવારજનોને દિકરીના આરોગ્ય, શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે જાગૃત કરવામાં આવ્યા હતા.
“બેટી બચાવો, બેટી પઢાવો” યોજના હેઠળ સરકાર દ્વારા દિકરીઓના શિક્ષણ, સુરક્ષા અને સશક્તિકરણ માટે વિવિધ કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. આ પ્રકારના કાર્યક્રમો સમાજમાં દિકરીઓ પ્રત્યે સન્માનની ભાવના વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યું હતું કે દિકરીઓ સમાજની અમૂલ્ય સંપત્તિ છે અને તેમના જન્મથી લઈને શિક્ષણ તથા વિકાસ સુધી દરેક તબક્કે તેમને સમાન તક મળવી જોઈએ. કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલના તબીબી સ્ટાફ, મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ તથા પરિવારજનો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ દ્વારા “દિકરી બચાવો, દિકરી ભણાવો”નો સંદેશ વધુ મજબૂત બન્યો હતો અને નવજાત દિકરીઓના પરિવારોમાં ખુશીનું વાતાવરણ સર્જાયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai