
ભાવનગર, 07 જૂન (હિ.સ.) : ભાવનગર શહેરમાં મોડી રાત્રે સર્જાયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બે યુવાનોએ જીવ ગુમાવ્યા હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. શહેરના રિંગ રોડ પર આવેલા શ્રીજી પાર્ટી પ્લોટ સામે આ અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, બાઇક પર સવાર બે યુવકો પોતાના માર્ગે જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કરના કારણે બંને બાઇક સવાર યુવકો દૂર સુધી ફંગોળાઈ ગયા હતા. બીજી તરફ, કારની ઝડપ વધુ હોવાને કારણે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર રોડની બાજુમાં ઊભેલા એક બંધ ટેન્કરની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. ટક્કરનો અવાજ દૂર સુધી સંભળાતા આસપાસના રહેવાસીઓ અને રાહદારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતમાં કાર અને બાઇક બંનેનો કુરચો બોલી ગયો હતો.
સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવા અને પોલીસને જાણ કરી હતી. 108ની ટીમે ઘટનાસ્થળે પહોંચી ત્રણેય ઇજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા બંને બાઇક સવાર યુવકોને સર ટી. હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તબીબોની તમામ કોશિશો છતાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
મૃતક બંને યુવકો ભાવનગર નજીક આવેલા અકવાડા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. યુવાન દીકરાઓના અકાળ અવસાનના સમાચાર ગામમાં પહોંચતા જ પરિવારો અને સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. અકસ્માત સર્જનાર કાર ચાલકને પણ ગંભીર ઇજાઓ થતાં વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ હોસ્પિટલ અને અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા અને અકસ્માતના કારણો અંગે તપાસ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતી અને ઝડપ પર નિયંત્રણની જરૂરિયાતને ઉજાગર કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA