
ભાવનગર, 07 જૂન (હિ.સ.)યુવાનોને કૌશલ્ય આધારિત શિક્ષણ અને રોજગારીલક્ષી તાલીમ ઉપલબ્ધ કરાવવાના હેતુથી સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.), સિહોર ખાતે પ્રવેશસત્ર ૨૦૨૬ માટે પ્રથમ રાઉન્ડની એડમિશન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સંસ્થામાં વિવિધ ટેકનિકલ અને રોજગારલક્ષી વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે તા. ૨૩ જૂન, ૨૦૨૬ સુધી ઓનલાઈન નોંધણી અને ચોઈસ ફીલીંગ કરવાની પ્રક્રિયા ચાલુ રહેશે.
આઈ.ટી.આઈ. સિહોરમાં હાલમાં કોપા (સીઓપીએ), વાયરમેન, વેલ્ડર, આર.એફ.એમ. (આરએફએમ), એચ.એસ.આઈ. તથા ટુ-વ્હીલર મિકેનિક અને ફિટર જેવા લોકપ્રિય વ્યવસાયોમાં તાલીમ આપવામાં આવે છે. આ તમામ કોર્સ વિદ્યાર્થીઓને આધુનિક ઔદ્યોગિક જરૂરિયાતોને અનુરૂપ કૌશલ્ય પ્રદાન કરી રોજગારી અને સ્વરોજગારી માટે સક્ષમ બનાવે છે.
વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે સંસ્થા દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ફોર્મ ભરવાની કામગીરી વિનામૂલ્યે કરવામાં આવી રહી છે. પ્રવેશ માટે જરૂરી માર્ગદર્શન, દસ્તાવેજોની માહિતી તેમજ ચોઈસ ફીલીંગ અંગેની સંપૂર્ણ સહાય પણ સંસ્થા દ્વારા આપવામાં આવી રહી છે.
સંસ્થાના આચાર્યશ્રીએ વધુમાં જણાવ્યું છે કે, ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ પાસ કરેલા તેમજ ટેકનિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ સમયમર્યાદામાં ઓનલાઈન અરજી કરી પ્રવેશનો લાભ લેવો જોઈએ. કૌશલ્ય વિકાસના આ યુગમાં આઈ.ટી.આઈ.ના અભ્યાસક્રમો વિદ્યાર્થીઓને ઉદ્યોગજગત સાથે સીધા જોડવાની મહત્વપૂર્ણ તક પૂરી પાડે છે.
ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરાવવા અને વધુ માહિતી મેળવવા માટે વિદ્યાર્થીઓ તથા વાલીઓએ સરકારી આઈ.ટી.આઈ., સિહોર (દાદાની વાવ પાસે) ખાતે રૂબરૂ સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે. પ્રવેશ માટેની આ તકનો લાભ લઈ વધુમાં વધુ વિદ્યાર્થીઓ પોતાના ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધે તેવી અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA