ગીર સોમનાથ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિકાસ માટે, મહત્વપૂર્ણ સમજૂતી કરાર
ગીર સોમનાથ 07 જૂન (હિ.સ.) ગીર સોમનાથ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ અને વૈશ્વિક જ્ઞાનગંગા સેવા ટ્રસ્ટ, વડોદરા વચ્ચે આજે પરસ્પર સહયોગ, સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર, ભારતીય જ્ઞાન પરંપરાના સંવર્ધન તથા શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિકાસ માટ
શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિકાસ


ગીર સોમનાથ 07 જૂન (હિ.સ.) ગીર સોમનાથ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ અને વૈશ્વિક જ્ઞાનગંગા સેવા ટ્રસ્ટ, વડોદરા વચ્ચે આજે પરસ્પર સહયોગ, સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર, ભારતીય જ્ઞાન પરંપરાના સંવર્ધન તથા શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિકાસ માટે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ સમજૂતી કરાર અંતર્ગત બંને સંસ્થાઓ સંયુક્ત રીતે સંસ્કૃત શિક્ષણ, સંશોધન, સંસ્કૃત સંવાદ શિબિરો, વ્યાખ્યાનમાળા, વર્કશોપ, સેમિનાર, સંસ્કારbવર્ગ, યોગ અને ભારતીય સંસ્કૃતિ આધારિત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરશે. સાથે જ વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે જ્ઞાન વિનિમય તથા સંયુક્ત પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે.

સમજૂતી કરારના કાર્યક્ષેત્ર અંતર્ગત વ્યાખ્યાનમાળા, સાંસ્કૃતિક અભ્યાસ તથા જોબ પ્લેસમેન્ટ સેલ સંબંધિત ક્ષેત્રોમાં શૈક્ષણિક આદાન-પ્રદાન કરવામાં આવશે. કોલેજ લાઇબ્રેરી તથા વૈશ્વિક જ્ઞાનગંગા સેવા ટ્રસ્ટની લાઇબ્રેરી વચ્ચેના સહકાર દ્વારા ગ્રંથસંપત્તિ અને લાઇબ્રેરી સુવિધાઓનો પરસ્પર ઉપયોગ સુલભ બનાવવામાં આવશે. ઉપરાંત શિક્ષકBમંડળ તથા વિદ્યાર્થીઓનો વિનિમય, NEP-2020 મુજબ સંયુક્ત સંશોધન પ્રકલ્પો, ઇન્ટર્નશિપ, કન્સલ્ટન્સી તથા અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. બંને સંસ્થાઓ સંયુક્ત રીતે સેમિનાર, પરિષદો તથા અલ્પકાલીન પ્રમાણપત્ર અભ્યાસક્રમોનું આયોજન કરશે તેમજ દસ્તાવેજો, સંશોધન પ્રકાશનો અને શિક્ષણ સામગ્રીનું નિયમિત આદાન-પ્રદાન પણ કરશે. અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને રોજગાર અને પ્લેસમેન્ટ માટે સહકાર તથા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી રાજ્યની અગ્રણી સંસ્કૃત યુનિવર્સિટી તરીકે સંસ્કૃત તથા ભારતીય જ્ઞાન પરંપરાના સંવર્ધન માટે કાર્યરત છે, જ્યારે વૈશ્વિક જ્ઞાનગંગા સેવા ટ્રસ્ટ સંસ્કૃત શિક્ષણ, ગીતા અભ્યાસ, ભારતીય સંસ્કૃતિ અને મૂલ્ય આધારિત શિક્ષણના પ્રસાર માટે દેશ-વિદેશમાં વિવિધ પ્રવૃત્તિઓ ચલાવે છે.

આ પ્રસંગે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ તરફથી કુલપતિ પ્રો. સુકાંત કુમાર સેનાપતિ, કુલસચિવ ડૉ. મહેશકુમાર મેતરા, અનુસ્નાતક વિભાગના નિયામક પ્રો. વિનોદકુમાર ઝા, યુનિવર્સિટી સંલગ્ન કૉલેજના આચાર્ય ડૉ. નરેન્દ્રકુમાર પંડ્યા તથા યુનિવર્સિટીના સંશોધન અધિકારી ડૉ. કાર્તિકકુમાર પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વૈશ્વિક જ્ઞાનગંગા સેવા ટ્રસ્ટ, વડોદરા તરફથી ડૉ. દર્શન ભટ્ટ તથા ડૉ. હરિશ્ચંદ્ર ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે બંને સંસ્થાના પ્રતિનિધિઓએ આશા વ્યક્ત કરી હતી કે, આ સમજૂતી કરાર દ્વારા સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસારને નવી દિશા મળશે તથા વિદ્યાર્થીઓ અને સમાજને વધુ વ્યાપક લાભ પ્રાપ્ત થશે.અંતમાં ઉપસ્થિત મહાનુભાવોએ આ સહયોગને સંસ્કૃત અને ભારતીય સંસ્કૃતિના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande