


કચ્છ, 07 જૂન (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લાના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ દ્વારા હાઈવે સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે આજે વિશેષ કોમ્બિંગ અને ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લામાં ચાલી રહેલી હોટલ-ધાબા ચેકિંગ ડ્રાઈવના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના સુપરવિઝન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ આજે વિવિધ ટીમો બનાવી સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી હતી.
અભિયાન દરમિયાન હાઈવે પર પસાર થતા વાહનોની ચકાસણી કરવામાં આવી હતી તેમજ શંકાસ્પદ વ્યક્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી હતી. પોલીસે હોટલો અને ધાબાઓમાં પણ તપાસ હાથ ધરી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે જરૂરી કાર્યવાહી કરી હતી. ચેકિંગ દરમિયાન વિવિધ કાયદાકીય ભંગ બદલ કુલ નવ ગુજરાત પોલીસ એક્ટ હેઠળના કેસ નોંધવામાં આવ્યા હતા.
મોટર વાહન અધિનિયમ અંતર્ગત નિયમોના ભંગ બદલ આઠ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા, જ્યારે વિવિધ પ્રકારના ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ 24 નોન-કોગ્નિઝેબલ કેસ નોંધાયા હતા. તેમાં કાળા કાચ ધરાવતા વાહનો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરાંત સ્થળ પર જ દંડ વસૂલાતની કામગીરી હાથ ધરી કુલ રૂ. 8,400નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
પોલીસે અભિયાન દરમિયાન 456 વાહનોની ચકાસણી કરી હતી અને 100થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ તથા ઓળખ ચકાસણી હાથ ધરી હતી. સાથે જ 37 હોટલ અને ધાબાઓમાં તપાસ કરી સુરક્ષા સંબંધિત વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ભચાઉ પોલીસનું આ અભિયાન કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા, ગુનાખોરી પર નિયંત્રણ લાવવા અને હાઈવે પર મુસાફરી કરતા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થયું છે. પોલીસ તંત્ર દ્વારા ભવિષ્યમાં પણ આવા સઘન ચેકિંગ અને કોમ્બિંગ અભિયાનો ચાલુ રાખવામાં આવશે જેથી અસામાજિક તત્વો સામે કડક સંદેશો પહોંચાડી શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar