
કચ્છ, 07 જૂન (હિ.સ.) : પૂર્વ કચ્છ પોલીસ દ્વારા મિલકત સંબંધિત ગુનાઓ સામે હાથ ધરાયેલી સઘન કાર્યવાહીના ભાગરૂપે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)ને ગાંધીધામ વિસ્તારમાં મોટી સફળતા મળી છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકની હદમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલા ચોરીના કોલસાના જથ્થાને ઝડપી પાડી પોલીસે અંદાજે રૂ. 22.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા અને અટકાવવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળાના નેતૃત્વમાં એલસીબીની ટીમ ગાંધીધામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે મીઠીરોહર વિસ્તારમાં આવેલા એક ખુલ્લા વાડામાં વિવિધ ટ્રેડ અને ટ્રેલર વાહનોમાંથી ચોરી અથવા છળકપટથી મેળવવામાં આવેલ કોલસાનો જથ્થો ઉતારીને રાખવામાં આવ્યો છે.
મળેલી માહિતીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન સ્થળ પરથી હારૂન અધાભાઈ સોઢા મળી આવ્યો હતો. પોલીસે કોલસાના જથ્થા અંગે જરૂરી દસ્તાવેજો અને ખરીદીના પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું, પરંતુ કોઈ માન્ય આધાર પુરાવા રજૂ કરવામાં ન આવતા સમગ્ર જથ્થો શંકાસ્પદ ગણાવી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસે લગભગ 164.9 ટન કોલસાનો જથ્થો, એક મોબાઇલ ફોન તથા બે લોડર વાહનો સહિત કુલ રૂ. 22.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કોલસાની કિંમત અંદાજે રૂ. 16.19 લાખ, મોબાઇલ ફોનની કિંમત રૂ. 5 હજાર અને બે લોડર વાહનોની કિંમત રૂ. 6 લાખ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
આ કેસમાં હારૂન અધાભાઈ સોઢા (ઉંમર 46 વર્ષ, નિવાસી મીઠીરોહર, ગાંધીધામ)ની અટકાયત કરવામાં આવી છે. જ્યારે જીગરસિંહ વાઘેલા, અકબર હજામ, સંજય વર્મા અને કમલેશ ઉર્ફે કમો ડામોર નામના અન્ય આરોપીઓ હાલમાં ફરાર હોવાનું સામે આવ્યું છે અને તેમની શોધખોળ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પોલીસે આરોપી વિરુદ્ધ સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ માટે સમગ્ર કેસ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી. પટેલ અને એલસીબી સ્ટાફની સંયુક્ત મહેનતના પરિણામે શક્ય બની હોવાનું પોલીસ તંત્રએ જણાવ્યું છે.
આ કાર્યવાહીને કારણે ગાંધીધામ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર કોલસા વેપાર અને ચોરીના નેટવર્ક સામે કડક સંદેશ ગયો છે અને આગામી દિવસોમાં પણ આવા તત્વો સામે અભિયાન વધુ સઘન બનાવવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar