મુંદરામાં અનામી નારી શક્તિની સેવાયજ્ઞ: ધોમધખતા ઉનાળામાં રોજ ૧૦૦ લીટર છાશથી તરસ બુઝાવવાનો અનોખો ઉપક્રમ
કચ્છ, 07 જૂન (હિ.સ.) : કચ્છના મુંદરા શહેરમાં માનવસેવાનું એક એવું પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે, જે આજના પ્રચારપ્રધાન યુગમાં પણ નિઃસ્વાર્થ સેવાભાવનું જીવંત પ્રતિબિંબ બની રહ્યું છે. જ્યાં સામાન્ય સેવાકીય પ્રવૃત્તિઓ પણ સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મ
મુન્દ્રા માં છાશ વિતરણ


મુન્દ્રામાં છાશ વિતરણ


કચ્છ, 07 જૂન (હિ.સ.) : કચ્છના મુંદરા શહેરમાં માનવસેવાનું એક એવું પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે, જે આજના પ્રચારપ્રધાન યુગમાં પણ નિઃસ્વાર્થ સેવાભાવનું જીવંત પ્રતિબિંબ બની રહ્યું છે. જ્યાં સામાન્ય સેવાકીય પ્રવૃત્તિઓ પણ સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવાના માધ્યમ બની જતી હોય છે, ત્યાં મુંદરાની મૂળ વતની અને હાલમાં વિદેશમાં વસવાટ કરતી એક મહિલા દ્વારા સંપૂર્ણ અનામી રીતે શરૂ કરાયેલી છાશ સેવા લોકોમાં ચર્ચાનો વિષય બની છે.

પવિત્ર અધિક માસના અવસરે શરૂ કરાયેલ આ સેવા હેઠળ દરરોજ બપોરે આશરે ૧૦૦ લીટર ઠંડી અને શુદ્ધ છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. શહેરના મુખ્ય માર્ગ પર આવેલી આ વ્યવસ્થા ખાસ કરીને સરકારી હોસ્પિટલ તરફ આવતા દર્દીઓ, તેમના પરિવારજનો, શ્રમિકો અને મુસાફરો માટે આશીર્વાદ સમાન બની રહી છે. તાપમાનના પારા સાથે વધી રહેલી ગરમી વચ્ચે આ સેવા લોકોને માત્ર તાજગી જ નથી આપતી, પરંતુ માનવતા અને સહાનુભૂતિનો સ્પર્શ પણ કરાવે છે.

શાસ્ત્રી મેદાન સામે અને શેઠ આર.ડી. હાઈસ્કૂલ નજીક આવેલા વૃક્ષની છાયામાં સેવાભાવી યુવાનોની ટીમ દરરોજ છાશ વિતરણનું કાર્ય સંભાળે છે. રસ્તા પરથી પસાર થતા લોકો અને વાહનચાલકોને રોકી પ્રેમથી છાશ પીવડાવવાની તેમની રીત દરેકના હૃદયને સ્પર્શી જાય છે. ખાસ કરીને હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના સગાઓ માટે આ સેવા ગરમી વચ્ચે રાહતનો શ્વાસ બની રહી છે.

આ ઉપક્રમ માત્ર એક સેવાકીય પ્રવૃત્તિ નથી, પરંતુ મુંદરાની દાયકાઓ જૂની પરંપરાનું પુનર્જીવન પણ છે. એક સમય એવો હતો. જ્યારે તાલુકામાં જૈન સમાજના અગ્રણીઓ દ્વારા ગામડાઓમાં ગૌસેવા, પાંજરાપોળ અને દેરાસર સાથે જોડાયેલી અનેક લોકહિતની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હતી. ગાયના દૂધમાંથી માખણ અને ઘી બનાવ્યા બાદ વધતી છાશને ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવતી. ઉનાળાની ઋતુમાં આ છાશ હજારો લોકો માટે જીવનદાયી બની રહેતી અને ‘જનકલ્યાણ’ની ભાવનાને મજબૂત બનાવતી.

વર્ષો પછી ફરી એકવાર આવી જ સેવા મુંદરામાં શરૂ થતાં લોકો જૂના દિવસોને યાદ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે, આ સમગ્ર કાર્ય પાછળ રહેલા દાતાનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. કોઈ બેનર, પોસ્ટર કે પ્રસિદ્ધિની ઈચ્છા વિના માત્ર માનવસેવાને કેન્દ્રમાં રાખીને કરવામાં આવતી આ કામગીરી સમાજ માટે એક પ્રેરણાસ્ત્રોત બની છે.

વિદેશમાં રહીને પણ પોતાના વતન અને ત્યાંના લોકો પ્રત્યેની લાગણી જાળવી રાખનાર આ અનામી મહિલા દાતાએ સાબિત કરી દીધું છે કે સાચી સેવા માટે પ્રસિદ્ધિ નહીં પરંતુ સંવેદના જરૂરી છે. ઉદ્યોગો અને વ્યાપાર માટે ઓળખાતા મુંદરામાં શરૂ થયેલી આ છાશ સેવા આજે માનવતાના મૂલ્યોને ફરી જીવંત કરી રહી છે અને લોકોને નિઃસ્વાર્થ દાન તથા સેવાભાવનો સંદેશ આપી રહી છે.

મુંદરાની જનતા આ અનામી નારી શક્તિના સેવાયજ્ઞને હૃદયપૂર્વક બિરદાવી રહી છે, કારણ કે આ સેવા માત્ર તરસ બુઝાવતી નથી, પરંતુ સમાજમાં માનવતા, કરુણા અને પરોપકારની ઠંડક પણ ફેલાવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande