
મહેસાણા, 07 જૂન (હિ.સ.)ઊંઝા સ્થિત SMVS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં, ભક્તિ અને આધ્યાત્મિકતાના માહોલ વચ્ચે 551 કિલોથી વધુ વિવિધ પ્રકારની કેરીઓ સાથે અનોખા આમ્ર ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પરમ પૂજ્ય ગુરુદેવ બાપજી અને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની પ્રેરણાથી આયોજિત આ ઉત્સવે ભક્તોમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું.
ઉત્સવ દરમિયાન સ્વામિનારાયણ ભગવાનને વિવિધ જાતની કેરીઓનો અન્નકૂટ અને રસથાળ અર્પણ કરવામાં આવ્યો હતો. રંગબેરંગી કેરીઓથી સજાવાયેલા મંદિરમાં ભગવાનના મનોહર દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ભગવાનને અર્પણ કરાયેલા કેરીના શણગાર અને અન્નકૂટના દર્શન કરી ભક્તો ભાવવિભોર બની ગયા હતા.
SMVS સંસ્થા દ્વારા વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે. તે જ પરંપરાને અનુસરીને યોજાયેલા આ આમ્ર ઉત્સવે ભક્તિભાવ અને સનાતન સંસ્કૃતિનો સુંદર સંદેશ આપ્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મંદિરના સંતો, સેવકો અને યુવા કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. મંદિરની સજાવટ, દર્શન વ્યવસ્થા અને અન્ય તમામ આયોજન સુચારુ રીતે પૂર્ણ કરવામાં આવ્યું હતું. ભક્તિમય વાતાવરણમાં યોજાયેલા આ ઉત્સવે ઉપસ્થિત સૌને આધ્યાત્મિક આનંદ અને ધન્યતાનો અનુભવ કરાવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR