
અમરેલી, 07 જૂન (હિ.સ.) : રાજ્યના મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ વડીયા સ્થિત PGVCL કચેરીની આકસ્મિક મુલાકાત લઈ કચેરીની કામગીરી, વીજ પુરવઠા સંબંધિત સેવાઓ તેમજ ગ્રાહકોના પ્રશ્નોના નિરાકરણ અંગે વિગતવાર સમીક્ષા કરી હતી. તેમની આ મુલાકાતનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોને મળતી વીજ સેવાઓની ગુણવત્તા અને કાર્યક્ષમતાની ચકાસણી કરવાનો હતો.
મુલાકાત દરમિયાન મંત્રીએ કચેરીમાં ચાલી રહેલી વિવિધ કામગીરી અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. તેમણે વીજ જોડાણ, બિલિંગ, ફરિયાદ નિવારણ અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠાની સ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. સાથે જ ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ અને તેના ઝડપી નિરાકરણ માટે અમલમાં મૂકાયેલા ઉપાયોની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
આ પ્રસંગે અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં મંત્રી કૌશિક વેકરિયાએ લોકોને વધુ ઝડપી, પારદર્શક અને અસરકારક વીજ સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર નાગરિકોને ગુણવત્તાસભર સેવાઓ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે અને વીજ પુરવઠા સંબંધિત પ્રશ્નોનું સમયસર નિરાકરણ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે.
મંત્રીએ અધિકારીઓને લોકકેન્દ્રિત અભિગમ અપનાવી કામગીરી કરવાની તેમજ ગ્રાહકોની ફરિયાદોનું ત્વરિત નિવારણ લાવવાની સૂચના આપી હતી. આ મુલાકાતથી કચેરીની કામગીરીમાં વધુ સુધારો અને સેવા પ્રણાલીમાં વધુ પારદર્શિતા આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai