
ભાવનગર, 07 જૂન (હિ.સ.) : ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આવેલા વિશ્વવિખ્યાત અને પવિત્ર શેત્રુંજય પર્વત પર ફરી એકવાર સિંહ દેખાવાની ઘટના સામે આવતા યાત્રિકોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. હજારો શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને ભક્તિનું કેન્દ્ર ગણાતા શેત્રુંજય પર્વત પર યાત્રા દરમિયાન અચાનક સિંહ નજરે પડતા અનેક યાત્રિકો ગભરાઈ ગયા હતા. કેટલાક શ્રદ્ધાળુઓએ સુરક્ષાના કારણોસર પોતાની યાત્રા અધવચ્ચે જ રોકી દીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, યાત્રા દરમિયાન એક સ્થળે સિંહ અચાનક દેખાયો હતો. સિંહની હાજરીથી યાત્રિકોમાં દોડધામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન સિંહે એક યાત્રિકને ડરાવી તેની બેગ મોઢામાં લઈને જંગલ તરફ દોડ લગાવી હતી. ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને યાત્રિકોમાં ભય વ્યાપી ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. વન કર્મચારીઓએ સિંહની હિલચાલ પર નજર રાખી જંગલ વિસ્તારમાં શોધખોળ શરૂ કરી હતી. લાંબી મહેનત અને સતર્ક કામગીરી બાદ વન વિભાગના કર્મચારીઓ યાત્રિકની કિંમતી બેગ શોધવામાં સફળ રહ્યા હતા. બાદમાં જરૂરી ચકાસણી કરીને બેગ સંબંધિત યાત્રિકને પરત સોંપવામાં આવી હતી.
આ ઘટનાએ ફરી એકવાર શેત્રુંજય પર્વત વિસ્તારમાં વન્યજીવોની વધતી અવરજવર અને યાત્રિકોની સુરક્ષા અંગે ચર્ચા જગાવી છે. સ્થાનિક લોકો અને યાત્રિકોએ યાત્રામાર્ગ પર વધુ સુરક્ષા વ્યવસ્થા, સતત પેટ્રોલિંગ અને જરૂરી સૂચના વ્યવસ્થા મજબૂત બનાવવાની માંગણી કરી છે. વન વિભાગે પણ યાત્રિકોને સતર્ક રહેવા, વન્યજીવોની નજીક ન જવા અને કોઈપણ અસામાન્ય સ્થિતિ સર્જાય તો તાત્કાલિક જાણ કરવાની અપીલ કરી છે. હાલમાં સમગ્ર મામલે વન વિભાગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA