
પાટણ 07 જૂન (હિ.સ.)પાટણ શહેરમાં ગુનાખોરી પર અંકુશ અને ટ્રાફિક નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે શહેર પોલીસે રાત્રિ દરમિયાન સરપ્રાઈઝ મેગા વાહન ચેકિંગ ડ્રાઇવ હાથ ધરી હતી. શહેરના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં એકસાથે પોલીસ ટીમો તૈનાત કરી નાકાબંધી ગોઠવવામાં આવી હતી. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ કાયદો અને વ્યવસ્થા જાળવવાનો તેમજ ગુનાહિત તત્વો પર નિયંત્રણ મેળવવાનો હતો.
ઝુંબેશ દરમિયાન નંબર પ્લેટ વગરના વાહનો, ફેન્સી નંબર પ્લેટ લગાવેલા વાહનો અને બ્લેક ફિલ્મ ધરાવતી ગાડીઓ પર ખાસ નજર રાખવામાં આવી હતી. ઉપરાંત ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરનારા વાહનચાલકો અને શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. તમામ ચેકિંગ પોઇન્ટ્સ પર શંકાસ્પદ વાહનોની ઝીણવટભરી તપાસ કરીને વધુમાં વધુ કેસ નોંધવાની સૂચના આપવામાં આવી હતી.
સમગ્ર શહેરમાં એકસાથે હાથ ધરાયેલી આ કાર્યવાહીથી નિયમભંગ કરનારા વાહનચાલકો અને અસામાજિક તત્વોમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસ ટીમોએ વાહનોના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી અને ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે સ્થળ પર જ દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી. નિયમ વિરુદ્ધના વાહનો સામે કાયદાકીય કલમો હેઠળ ગુના નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ