




- અંકલેશ્વરના મહારાજા નગરની નજીકની ઉકાઈ જમણા કાંઠાના નહેરમાં નાહવા પડ્યા હતા.
- 2 યુવકો પૈકી એકનો બચાવ એકની પાણીના કેનાલમાં શોધખોળ શરૂ કરાય
- 2 દિવસ અગાઉ પણ કેનાલમાં નાહવા પડેલા ત્રણ લોકોને સ્થાનિકોએ બચાવ્યા હતા
ભરૂચ, 07 જૂન (હિ.સ.) : ઉનાળાના આકરા તાપ અને અસહ્ય ગરમીથી રાહત મેળવવા માટે જળાશયો કે કેનાલોમાં ન્હાવા પડવું કેટલું જોખમી સાબિત થઈ શકે છે, તેનો વધુ એક જીવતો જાગતો કિસ્સો અંકલેશ્વરમાંથી સામે આવ્યો છે. અંકલેશ્વરના મહારાજા નગર નજીકથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની મુખ્ય કેનાલમાં ન્હાવા પડેલા બે યુવકો પાણીના તેજ પ્રવાહમાં ડૂબવા લાગ્યા હતા. જોકે, સ્થાનિકોની સતર્કતાને કારણે બે પૈકી એક યુવકને સહીસલામત બહાર કાઢી લેવામાં આવ્યો છે, જ્યારે અન્ય એક યુવક પાણીમાં લાપતા થતાં તેની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે.
હાલ ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આ ઉનાળાની ગરમીમાં ઠંડક મેળવવા અને ન્હાવાની મજા માણવા માટે લોકો કેનાલો તરફ દોડી રહ્યા છે. અંકલેશ્વરના મહારાજા નગર પાસે આવેલી ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવા છતાં, બે સ્થાનિક યુવકો ત્યાં ન્હાવા માટે પડ્યા હતા. પરંતુ પાણીના ઊંડાણ અને તેજ વહેણને કારણે બંને યુવકો અચાનક ડૂબવા લાગ્યા હતા અને બૂમાબૂમ કરી મૂકી હતી.
યુવકોની બૂમાબૂમ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ભારે જહેમત બાદ બે પૈકી એક યુવકને પાણીમાંથી જીવતો બહાર કાઢી લીધો હતો, જેથી તેનો આબાદ બચાવ થયો છે. જ્યારે બીજો યુવક પાણીના પ્રવાહમાં તણાઈ જતાં લાપતા થયો છે. ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પાણીની કેનાલમાં લાપતા યુવકની શોધખોળ (રેસ્ક્યૂ ઓપરેશન) શરૂ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ કેનાલ પર અકસ્માતની આ કોઈ પહેલી ઘટના નથી. માત્ર બે દિવસ અગાઉ પણ આ જ કેનાલમાં ન્હાવા પડેલા અન્ય ત્રણ લોકો ડૂબવા લાગ્યા હતા. જોકે, તે સમયે પણ સ્થાનિક લોકો દેવદૂત બનીને આવ્યા હતા અને ત્રણેય લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા.
કેનાલમાં પાણીનું પ્રમાણ ઘણું વધારે હોવા છતાં અને તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવતી હોવા છતાં, લોકો જીવના જોખમે કેનાલમાં ન્હાવાની મજા માણી રહ્યા છે. આ પ્રકારની બેદરકારી ક્યારેક ભારે પડી શકે છે, જે આ ઘટના પરથી સાબિત થાય છે. હાલ તો સમગ્ર પંથકમાં લાપતા યુવકને લઈને ચિંતાનો માહોલ છે અને તેને વહેલી તકે શોધી કાઢવા માટેના ચક્રો ગતિમાન કરાયા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ