
પાટણ, 07 જૂન (હિ.સ.) : પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંચાલિત શિવાભાઈ ઉમેદભાઈ પટેલ લાયબ્રેરી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વનું કેન્દ્ર બની છે. હાલમાં અહીં 1300 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયેલા છે અને દરરોજ 300થી વધુ ઉમેદવારો મફતમાં વાંચનનો લાભ લઈ રહ્યા છે.
કંડક્ટર, ડ્રાઈવર, પોલીસ અને LRD સહિતની વિવિધ ભરતી પરીક્ષાઓની તૈયારી માટે લાયબ્રેરીમાં અનુકૂળ વાતાવરણ અને વિશાળ સુવિધાઓ ઉપલબ્ધ છે. 900 બેઠક ક્ષમતા ધરાવતી લાયબ્રેરીમાં ભાઈઓ અને બહેનો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. બહેનો માટે સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી અને ભાઈઓ માટે સવારે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી અભ્યાસની સુવિધા ઉપલબ્ધ છે.
લાયબ્રેરીના વડા ડો. રજનીકાંત પટેલએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને અભ્યાસ ઉપરાંત ભરતી પ્રક્રિયા અને ફોર્મ ભરવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે લગભગ દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં અહીંથી 50 જેટલા વિદ્યાર્થીઓ પસંદગી મેળવી સફળતા હાંસલ કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ