
પાટણ, 07 જૂન (હિ.સ.) : પાટણ સ્થિત તપોધન બ્રાહ્મણ સમાજ દ્વારા પ્રમુખ અરવિંદભાઈ રાવલ અને યુવા ટીમના માર્ગદર્શન હેઠળ રોટરી ક્લબ સંચાલિત બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં સમાજના યુવક-યુવતીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. કાર્યક્રમમાં વોર્ડ નં. 3ના નગરસેવકો ગોપાલભાઈ રાજપુત, વિજયાબેન બારોટ અને ગૌરવભાઈ મોદીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી આયોજકોના પ્રયાસોને બિરદાવ્યા હતા.
આ પ્રસંગે જગન્નાથજી મંદિરના ટ્રસ્ટીઓ હર્ષદભાઈ રાવલ અને પીયૂષભાઈ આચાર્ય આમંત્રિત મહેમાન તરીકે હાજર રહ્યા હતા. સમાજના આગેવાનો દ્વારા તમામ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં પીયૂષભાઈ આચાર્યએ રક્તદાનના મહત્વ પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે રક્તદાન એ સાચું જીવનદાન છે અને રક્તનું એક ટીપું પણ જરૂરિયાતમંદ માટે નવું જીવન બની શકે છે.
તેમણે આવા સેવાકીય આયોજન બદલ સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા તેમજ ભવિષ્યમાં પણ મંદિર તરફથી સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી. અંતે તેમણે સન્માન બદલ સમાજના પ્રમુખ અને સભ્યોનો આભાર માન્યો હતો. સમગ્ર કેમ્પ દરમિયાન રોટરી ક્લબના કાર્યકરોની કામગીરીની સરાહના કરવામાં આવી હતી અને ક્લબ દ્વારા આયોજક સંસ્થાને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ