
ભાવનગર, 07 જૂન (હિ.સ.) : ભાવનગર જિલ્લાના પ્રખ્યાત ગોપનાથ સમુદ્ર કિનારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના આહ્વાનને અનુસરી વિશાળ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં સ્થાનિક આગેવાનો, જનપ્રતિનિધિઓ, વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, યુવાનો તેમજ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સમુદ્ર કિનારાની સફાઈ કરી હતી. સમગ્ર વિસ્તારમાં પડેલા પ્લાસ્ટિકના કચરા, બોટલ, રેપર અને અન્ય ઘન કચરાનો નિકાલ કરી કિનારાને સ્વચ્છ અને સુંદર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય જયંતી બાંભણિયાએ જણાવ્યું હતું કે સ્વચ્છતા માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકનું સામૂહિક કર્તવ્ય છે. સ્વચ્છ પર્યાવરણ અને સ્વચ્છ જાહેર સ્થળો આપણા સ્વાસ્થ્ય તેમજ આગામી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે અત્યંત જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે સમુદ્ર કિનારાઓની સ્વચ્છતા જાળવવાથી દરિયાઈ જીવસૃષ્ટિનું રક્ષણ થાય છે અને પર્યાવરણમાં સંતુલન જળવાઈ રહે છે.
અભિયાન દરમિયાન ઉપસ્થિત લોકોએ કચરો ન ફેંકવા, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવા અને પર્યાવરણને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓથી દૂર રહેવાનો સંકલ્પ પણ લીધો હતો. સ્વચ્છતા અભિયાન સાથે પર્યાવરણ જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેથી લોકોમાં સ્વચ્છતા પ્રત્યે વધુ જવાબદારીની ભાવના વિકસે.
ગોપનાથ સમુદ્ર કિનારે યોજાયેલ આ અભિયાન માત્ર સફાઈ પૂરતું મર્યાદિત ન રહી, પરંતુ સ્વચ્છ ભારત અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટેનું એક પ્રેરણાદાયી જનઆંદોલન બની રહ્યું. કાર્યક્રમના અંતે સૌએ પોતાના ગામ, શહેર અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા તથા પ્લાસ્ટિકમુક્ત પર્યાવરણના નિર્માણમાં સક્રિય સહભાગી બનવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રકારના પ્રયાસો દ્વારા સ્વચ્છ, હરિયાળું અને વિકસિત ભારતના નિર્માણને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA