
અમરેલી,10 જુલાઈ (હિ.સ.)
લોહાણા મહાપરિષદ ઝોન-4નો સતત ત્રીજા વર્ષનો શિક્ષણલક્ષી સેવાયજ્ઞ, વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહપૂર્વક લીધો લાભ
લોહાણા મહાપરિષદ ઝોન-4, શ્રી ખીમજી ભગવાનદાસ ચેરિટેબલ ટ્રસ્ટ તથા દાતા પરિવારોના સહયોગથી રાજુલા ખાતે લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. લોહાણા મહાજન, રાજુલા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, સમાજના અગ્રણીઓ અને દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો પ્રારંભ માતા સરસ્વતી અને પૂજ્ય જલારામ બાપાના પૂજન-અર્ચન તથા પ્રાર્થના સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળે તે હેતુથી રાહતદરે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ આ સેવાકીય આયોજનને આવકારી તેનો ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો.
કાર્યક્રમમાં લોહાણા મહાજન રાજુલાના પ્રમુખ ભીખુભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત હિતેશભાઈ રાયચા, હાર્દિકભાઈ લખાનો, શૈલેષભાઈ સેશપાલ, ઋત્વિકભાઈ જોબનપુત્રા, જતીનભાઈ સોઢા, અશોકભાઈ મશરૂ, નીરજભાઈ રાયચા, અમિતભાઈ સોમૈયા, જિગ્નેશભાઈ સોમૈયા, જયેશભાઈ ગઢિયા, યોગેશભાઈ કાનાબાર અને મેહુલભાઈ હરિયાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
લોહાણા મહાપરિષદ ઝોન-4 તરફથી ઝોનલ પ્રમુખ સુમિતભાઈ ઠક્કર, નિલેશભાઈ મજેઠીયા, નિશાંત ગઢિયા તેમજ માધવ મજીઠીયા અને કરણ ઠક્કર સહિતની ટીમે કાર્યક્રમમાં હાજરી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન સમાજના અગ્રણીઓ, વડીલો, ટ્રસ્ટીઓ, વેપારીઓ અને શુભેચ્છકોના હસ્તે વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવાકીય કાર્યક્રમને સફળ બનાવવા સ્વ. જયંતકુમાર ગિરધરલાલ વસાણી પરિવાર, ભુપતભાઈ પજવાણી પરિવાર, ધર્મેશભાઈ હરિયાણી (સી.એ.) પરિવાર, નવીનભાઈ વસાણી પરિવાર, રોહિતભાઈ મકદાણી પરિવાર અને ઠક્કર પરિવાર સહિતના દાતા પરિવારોનો મહત્વપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો.
લોહાણા મહાપરિષદ ઝોન-4 દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સતત શિક્ષણલક્ષી સેવાકીય પ્રવૃત્તિ તરીકે યોજાતા આ કાર્યક્રમને સમાજમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભવિષ્યમાં પણ સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણક્ષેત્રે વધુ પ્રોત્સાહન મળે તેવા વધુ સેવાકીય કાર્યક્રમો યોજવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai