
પાટણ, 12 જુલાઈ (હિ.સ.) : પાટણ એલ.સી.બી. પોલીસે રથયાત્રા પૂર્વે યોજાયેલી કોમ્બિંગ નાઇટ દરમિયાન હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારના જાસ્કા ગામની સીમમાં નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી પર દરોડો પાડી મોટું કૌભાંડ બહાર લાવ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે. કુલ રૂ. 77,100નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ મળેલી ચોક્કસ બાતમીના આધારે ભરતસિંહ રાઠોડના કબજાવાળા ખેતરની ઓરડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ત્યાં જાણીતી બ્રાન્ડ ‘બ્લેન્ડર્સ પ્રાઇડ’ના નામે નકલી વિદેશી દારૂ બનાવવામાં આવતો હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે ભરતસિંહ ભીખુજી રાઠોડ, ચાંપરાજ સોમભાઈ કાઢી અને કુંવરસિંહ શીવુજી ઝાલાની ધરપકડ કરી છે. જ્યારે શીવરાજ મારવાડી (રાજસ્થાન) ફરાર હોવાથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સ્થળ પરથી 60 સીલબંધ દારૂની બોટલો, 700 ખાલી બોટલો, 700 ઢાંકણા, સ્ટીકર, સીલિંગ સામગ્રી અને ત્રણ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે હારીજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે નકલી દારૂના ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલા અન્ય લોકોની સંડોવણી અંગે પણ તપાસ ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ