
પાટણ, 12 જુલાઈ (હિ.સ.) : પાટણના ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે ધી રોહિત સમાજ ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિમિટેડની 10મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ સભામાં મંડળીના કારોબારી સભ્યો, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં સભાસદોએ ઉપસ્થિત રહી સહકારી પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી.
સભા દરમિયાન મંડળીની વર્ષભરની કામગીરી, વાર્ષિક હિસાબો, વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અને આગામી સમયના આયોજન અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. સભાસદોએ સૂચનો રજૂ કરી સહકારી ભાવનાને વધુ વેગવંતી બનાવવા અને સમાજના સર્વાંગી વિકાસ માટે એકજૂટ થઈ કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમના અંતે મંડળીના ચેરમેન પરમાર અશોકભાઈ બેપાદરે ઉપસ્થિત તમામ કારોબારી સભ્યો, સભાસદો તેમજ મંડળીની કામગીરીમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહયોગ આપનાર તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ભવિષ્યમાં પણ સહકાર અને એકતાથી મંડળીને વધુ પ્રગતિના માર્ગે આગળ વધારવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ