



- રસ્તા વચ્ચે જ ફસાઈ રહેતા વાહન વ્યવહારને અસર થઈ હતી
ભરૂચ 10 જુલાઈ (હિ.સ.) : અંકલેશ્વરના વ્યસ્ત ગણાતા વાલિયા રોડ પર આવેલા માનવ મંદિર સર્કલ પાસે એક ટ્રક ચાલકે અચાનક કાબૂ ગુમાવતા ટ્રકનો અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માત દરમિયાન ટ્રક રોડની સાઈડમાં આવેલા ખાડામાં ઉતરી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ ઘટનાના પગલે વાલિયા રોડ પરથી પસાર થતા વાહનવ્યવહાર પર તેની સીધી અસર જોવા મળી હતી.
અકસ્માતગ્રસ્ત ટ્રક રોડની બાજુમાં ફસાઈ જવાને કારણે માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના લીધે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને વાહનચાલકો મદદે દોડી આવ્યા હતા અને ટ્રાફિકને હળવો કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ