
પાટણ, 10 જુલાઈ (હિ.સ.) પાટણમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી સાત મહિનાની ગર્ભવતી યુવતી સંગીતાને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાના કેસમાં આરોપી ભરતજી ચેહુજી ઠાકોરની જામીન અરજી પાટણની અદાલતે નામંજૂર કરી છે.
સંગીતા મૂળ ડીસા તાલુકાના કુંપાટ ગામની રહેવાસી હતી. લગ્નજીવન દરમિયાન ભરત ઠાકોર સાથે પ્રેમસંબંધ બંધાતા તે તેની સાથે પાટણમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગી હતી.
પરિવારના આક્ષેપ મુજબ ભરત સંગીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો, ઘરમાંથી બહાર નીકળવા દેતો નહોતો અને સતત મારઝૂડ કરતો હતો.
આપઘાતના એક દિવસ પહેલાં સંગીતાએ રડતા રડતા પિતાને ફોન કરી ઘરે લઈ જવાની વિનંતી કરી હતી. ત્યારબાદ બીજા જ દિવસે 20 મે, 2026ના રોજ તેણે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
મૃતકની માતાની ફરિયાદના આધારે પોલીસે ભરત ઠાકોર સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ આરોપીએ જામીન માટે અદાલતનો દરવાજો ખખડાવ્યો હતો.
સરકારી વકીલની દલીલો અને પ્રાથમિક પુરાવાઓને ધ્યાનમાં રાખી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી. એમ. ચૌહાણે ગુનાની ગંભીરતા જોતા આરોપીની જામીન અરજી નામંજૂર કરી જેલહવાલે રાખવાનો આદેશ કર્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ