
ભાવનગર,10 જુલાઈ (હિ.સ.)માનનીય પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર અસારીના માર્ગદર્શન અને સૂચના અનુસાર તા. 10-07-2026ના રોજ ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ભાવનગર મેગા બ્લડ ડોનેશન કેમ્પ–2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભાવનગર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર.આર. સિંઘાલ, પોલીસ ઇન્સ્પેક્ટર ગંગાજળિયા તેમજ ઘોઘારોડ, બોરતળાવ, નીલમબાગ, ભરતનગર પોલીસ મથકોના અધિકારીઓ, આર.પી.આઇ. તથા સીટી ટ્રાફિક શાખાના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આવનારી તા. 16-07-2026ના રોજ યોજાનારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને અનુલક્ષીને, શહેરમાં કોમી એકતા, પરસ્પર ભાઈચારો અને સામાજિક સૌહાર્દનું વાતાવરણ વધુ મજબૂત બને તે હેતુથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં હિંદુ, મુસ્લિમ તેમજ અન્ય વિવિધ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કર્યું હતું. સમાજના દરેક વર્ગના લોકોએ માનવસેવાના આ યજ્ઞમાં સહભાગી બની એકતા અને સૌહાર્દનો ઉત્તમ સંદેશ આપ્યો હતો.
જિલ્લા પોલીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમ માત્ર રક્તદાન પૂરતો સીમિત રહ્યો નહોતો, પરંતુ સમાજમાં માનવતા, સહકાર અને કોમી એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ પણ બન્યો હતો. રક્તદાન દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓનું જીવન બચાવવામાં મદદરૂપ થવાની સાથે સમાજમાં સેવા અને સમર્પણની ભાવના વધુ પ્રબળ બની હતી.
કાર્યક્રમના અંતે પોલીસ અધિકારીઓએ તમામ રક્તદાતાઓ, સામાજિક આગેવાનો અને વિવિધ સમાજના પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ આવનારી રથયાત્રા શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તેમજ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સૌને પોલીસને સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA